મોરબી અને વાંકાનેરમાં ધોધમાર વરસાદ, રોડ- રસ્તા પાણી- પાણી

 

માળિયામાં ઝાપટા , ટંકારામા છાંટા, હળવદમાં કોરું ધાકડ

મોરબી : મોરબી અને વાંકાનેરમાં આજે સાંજના અરસામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અચાનક ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદથી રોડ- રસ્તા પાણી- પાણી થઈ ગયા હતા.

મોરબી જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જેમાં મોરબીમાં સાંજના સમયે વરસાદી માહોલ જામ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા થોડી જ વારમાં રોડ ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. જ્યારે વાંકાનેરની વિગતો આપતા ત્યાંના પત્રકાર હરદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે મોરબીની જેમ વાંકાનેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અહીં પણ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે.

જ્યારે ટંકારાથી અહેવાલ આપતા પત્રકાર જયેશ ભટાસણાએ જણાવ્યું કે ટંકારા પંથકમાં આજે વરસાદ નોંધાયો નથી. સાંજના સમયે માત્ર અમીછાંટણા થયા હતા. માળિયાના પત્રકાર કાસમભાઈ સુમરાએ જણાવ્યું કે માળિયામાં સાંજના અરસામાં હળવું ઝાપટું નોંધાયું છે. જ્યારે હળવદથી પત્રકાર મેહુલ ભરવાડે જણાવ્યું છે કે હળવદ તાલુકો આજે કોરો ધાકડ રહ્યો છે.