માળીયાના હરિપર ગામે પંચરની દુકાનમાં તસ્કરોનો હાથફેરો

તસ્કરોએ પંચરની દુકાનમાંથી રૂ. 9 હજારનો મુદ્દામાલ ચોરી ગયાની ફરિયાદ નોંધાઇ

માળીયા : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામે આવેલ પંચરની દુકાનમાંથી તસ્કરો હાથફેરો કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પંચરની દુકાનના માલિકે અજાણ્યા શખ્સો સામે રૂ. 9 હજારના મુદામાલની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મિયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ બિહારના વતની અને હાલ માળીયા તાલુકાના હરિપર ગામે રહીને પંચરની દુકાન ચલાવતા મહંમદ તસ્લિમ મહંમદ અન્સારીએ અજાણ્યા શખ્સો સામે માળીયા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની હરિપર ગામે આવેલ પંચરની દુકાનમાં ગત તા.16 ના રોજ રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો તેમની પંચરની દુકાનમાંથી ગલ્લામાં રહેલા રૂ.5 હજાર રોકડા તથા એક મોબાઈલ મળીને કુલ રૂ. 9 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદના આધારે માળીયા પલોસે તપાસ હાથ ધરી છે.