મોરબીમાં ગેસથી ચાલતા સીરામીક ઉધોગ માટે રાહતના સમાચાર

ઉધોગકારો ગેસનું બિલ ચાર હપ્તામાં ભરપાઈ કરી શકશે : વિલંબિત ચુકવણીના વ્યાજ દરમાં 8 ટકાનો ઘટાડો 

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કોરોના વાયરસને કારણે ઊભી થયેલી લોકડાઉનની સ્થિતિમાં રાહતરૂપ જાહેરાતો કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ જાહેરાતોની વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને 4 જેટલી મુખ્ય રાહતો આપી છે. જે મુજબ રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી.નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવાનો નિણર્ય કર્યો છે. તારીખ 10 મેના ડ્યુ થતી રકમ હવે 23 જૂન સુધી ભરી શકાશે અને આ માટે 15-15 દિવસના ચાર હપ્તા કરી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને એવું પણ જાહેર કર્યું છે કે, ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિક્સ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસમાંથી પણ 3 મહિના એટલેકે એપ્રિલ મે અને જૂન માસ માટે મુક્તિ આપવામાં આવી છે.

તેમણે એવી મહત્વની રાહત પણ આ ઉદ્યોગોને આપી છે કે ગુજરાત ગેસ કંપની લિમિટેડના બિલની વિલંબિત ચુકવણી એટલેકે મોડા ભરવામાં આવે તો જે 18 ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું તે હવે 10 ટકા જ વસૂલ કરાશે. મુખ્યમંત્રીએ રાજ્યના મોરબી-સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના નાના ઉદ્યોગો કે જે ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ કરે છે તેમને હાલની લોકડાઉનની સ્થિતિમાં આર્થિક રાહત આપતા આ નિર્ણયો કર્યા છે.