ટંકારામાં કપાસની ખરીદીમાં સીસીઆઈના અણઘડ નિયમોથી ખેડૂતો પરેશાન

- text


સારો કપાસની પણ B ગ્રેડમાં ગણતરી કરીને માલ વેપારી મફતના ભાવે માંગતા હોવાથી ખેડુતોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ

ટંકારા : ટંકારામાં લોકડાઉન વચ્ચે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે પણ સીસીઆઈના અણઘડ નિયમોને કારણે ખેડૂતોને કપાસ વેચવામાં મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોમાં ઉઠી રહેલી ફરિયાદ મુજબ તેમનો ઉત્તમ ગુણવત્તાવાળા કપાસની પણ બી ગ્રેડમાં ગણતરી કરીને વેપારીઓ પણ એ કપાસ સાવ મફતના ભાવે માંગે છે. તેથી, ખેડૂતો નિરાશ થઈ ગયા છે. એકબાજુ ગત વર્ષ અતિવૃષ્ટિને કારણે ભારે પાયમાલી થઈ હતી અને હવે ટેકાના ભાવે ખરીદીમાં પણ પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને દાઝ્યા પર ડામ આપ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

ટંકારાના ખેડૂત પંકજભાઈએ જણાવ્યું હતું કે બમણા ખર્ચ સાથે મારે માંડ-માંડ કરીને થોડુ ઘણું કપાસનુ ઉત્પાદન થયુ હતું અને એ લઈને સીસીઆઈમા વેચાણ માટે ગયો હતો. એક તો માંડ કરીને વારો આવ્યો હતો અને વારો અવતાની સાથે તેમના કપાસની બી ગ્રેડમાં ગણતરી કરીને તે કપાસ રીજેકટ કરી દીધો હતો. જોકે આ ખેડૂતે કહ્યું હતું કે આ વર્ષની સરકારને ખબર નથી કે માલ બગડી ગયો છે તો સારું કયાથી આવે. પછી એ કપાસને ટંકારાના જીનમા વેચાણ અર્થે ગયો તો ત્યાં માત્ર રૂ.700 મા કપાસ માંગ્યો હતો. આથી, આટલી મોટી નુકશાની કેમ વેઠવી તેમ મનોમન નિસાસો નાખીને આ ખેડૂતે કપાસ વેચ્યા વગર ત્યાંથી પણ ચાલતી પકડી હતી.

- text

એકબાજુ સરકાર એમ કહે છે કે ખેડૂતોને આર્થિક રીતે મુશ્કેલી ન પડે અને કપાસના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી છે પણ હકીકતમાં સરકારના નિયમોનું જે તે સરકારી વિભાગ પાલન કરે છે કે કેમ તેની તસ્દી સુદ્ધા લેવાતી નથી જેથી ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો મળતા નથી. ઉલટું તેમના કપાસમાં ખામીઓ કાઢીને રિજેક્ટ કરી દેવાય છે અને કપાસ મફતમાં વેચવા જેવા ભાવો મળે તો ખેડૂતોનો મરો જ થાય એમ છે. ત્યારે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં આવી લોલમલોલ ચાલે છે કે કેમ તેની તટસ્થ તપાસ થવી જોઈએ અને ખેડૂતોને નિયમ પ્રમાણે કપાસના પોષણક્ષમ ભાવો મળવા જોઈએ તેવી માંગ ઉઠી છે. જ્યારે જીનના માલીકનો સંપર્ક સાધ્યો તો તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સારૂ સારૂ સીસીઆઈ લઈ લે છે અને બચ્યું કુચ્યુ ખેડુતો અમારી પાસે લાવે છે. તો અમે શુ કરીએ, સરકારે તાત્કાલિક બી ગ્રેડ ખરીદી કરવા ટંકારામા આદેશ આપવો જોઈએ સાથે સફેદ કપાસમા કાળી ટીલી લાગે એવા આરોપ પણ કર્યા હતા. જોકે ખેડુતોની રજૂઆત બાદ ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાલરીયા ટંકારા કપાસ ખરીદી કેન્દ્ર ખાતે પહોંચી વિગતો મેળવી હતી.

- text