મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં ૯૯૧ ઉદ્યોગોને અપાઈ શરતી મંજૂરી

- text


વહીવટી વિભાગ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની શરતોનું સખ્તાઇથી પાલન કરાવાશે

મોરબી : જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકડાઉનના સમયમાં પ્રજાને હાડમારી ઓછી પડે તે હેતુથી હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ નગરપાલિકા વિસ્તાર સિવાયના ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ઉદ્યોગગૃહોને શરતી મંજૂરી આપવાની પ્રક્રિયા તેજ ગતિથી થઇ રહી છે.

મોરબી જિલ્લા અધિક કલેક્ટર કેતન પી. જોષી દ્વારા અપાયેલ માહિતી અનુસાર મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં કોરોના વાયરસ અંગેની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતિને અનુસંધાને મોરબી જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાયના ઔદ્યોગિક ગૃહોને મંજૂરી આપવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ૧૬૨૯ ઓનલાઇન અરજીઓ મળેલ હતી જેમાંથી ૬૩૮ જેટલી નગરપાલિકા વિસ્તારની હોઇ તેને નામંજૂર કરી બાકીની તમામ ૯૯૧ અરજીઓનો હકારાત્મક નીકાલ કરવામાં આવ્યો છે. આમ હાલે મોરબીમાં ૯૯૧ ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગોને મંજૂરી તેમના ઇ-મેઇલ એડ્રેસના માધ્યમથી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ઉદ્યોગગૃહોને મંજૂરી મેળવવા માટે www.morbicollectorate.in પર અરજી કરવાની રહે છે.

- text

આ સાથે જ અધિક કલેક્ટર કેતન પી. જોષીએ જણાવ્યું હતું કે, તમામ મંજૂર થયેલા ઉદ્યોગગૃહોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની તમામ શરતોનું સખ્તાઇથી પાલન કરવાનું રહેશે. સોશ્યિલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવા, ઉદ્યોગગૃહોને સેનેટાઇઝ કરવા જેવી શરતોનું પાલન કરવાનું રહેશે. ચાલુ થયેલા ઉદ્યોગગૃહોને યુનીટ દીઢ જે તે પ્રાંત કચેરી દ્વારા બે પાસ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જેથી કોઇને તકલીફનો સામનો ન કરવો પડે.

- text