સેવા પરમો ધર્મ : મોરબી જિલ્લામાં બીજા લોકડાઉનમાં પણ ગરીબોની જઠરાગ્નિ તૃપ્ત કરતા સેવાયજ્ઞ અવિરત ચાલુ

- text


મોરબી : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લોકોની બિનજરૂરી અવર-જવર ટાળવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં બીજીવખત લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. પ્રથમ લોકડાઉન વખતે મોરબીમાં સેવાભાવી લોકો તથા સંસ્થાઓ દ્વારા ગરીબોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચાલુ કરવામાં આવ્યો હતો, તે સેવાયજ્ઞ બીજા લોકડાઉન વખતે પણ અવિરત ચાલુ છે.

આ સેવાયજ્ઞમાં યંગ ઇન્ડિયા ગ્રુપ, જલારામ પ્રાર્થના મંદિર, યુવા આર્મી ગ્રુપ, માનવ સેવા ટ્રસ્ટ, જય અંબે ગ્રુપ, પાટીદાર અન્ન સહાય સમિતિ, જય ભવાની ગ્રુપ, જલારામ મિત્ર મંડળ સહિતની સેવાભાવી સંસ્થાઓ તથા પરોપકારી લોકો જરૂરિયાતમંદોને માસ્ક, રાશન સહીતની સહાય કરી કોરોના સામેની લડતમાં અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. તેમજ લોકડાઉનમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા પોલીસ, મેડિકલ સહિતના કર્મીઓને ચા-નાસ્તો, માસ્ક વગેરેનું વિતરણ કરી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

યુવા ઉદ્યોગપતિ અજય લોરિયા દ્વારા ગરીબોને રાશન વિતરણ

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી યુવક અજય લોરિયા દ્વારા સસ્તા અનાજની દુકાનેથી પોતાના રાશનકાર્ડ પ્રમાણે રાજ્ય સરકાર એ આપેલ અનાજ લઈને ગામમાં રહેતા જરૂરિયાત માણસોને આપેલ હતું. તેમજ તેઓ દ્વારા આ રીતે સેવા કાર્ય કરી ગરીબ પરિવારોને મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી.

માળીયા અને મોરબીમાં દેવ સોલ્ટ દ્વારા રેશન કીટનું વિતરણ

માળીયા અને મોરબીમાં દેવ સોલ્ટ દ્વારા 150 જરૂરિયાતમંદ પરિવારો માટે 8 થી 10 દિવસની જરૂરિયાત પૂરતું રેશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, દેવ સોલ્ટ જરૂરીયાતમંદ લોકોને ખાદ્ય પદાર્થોના પેકેટો પૂરા પાડે છે. તેમજ મોબાઈલ ક્લિનિક ડોક્ટરો સાથે ગામોમાં જાય છે, દવા વિતરણ કરે છે અને કોરોના વાયરસ સામે જાગૃતિ લાવે છે. વધુમાં, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

મોરબી સીરામીકના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા દ્વારા પોતાની કંપનીના મજૂરોને બીજી વાર રાશન આપ્યું

મોરબીની દરેક સીરામીક ફેકટરીના માલિકો દ્વારા કંપનીમાં રહેતા મજૂરો માટે રાશનની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા દ્વારા તેમની ચારથી વધુ કંપનીના મજૂરોને બીજી વાર રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ફોનિક કલર દ્વારા બીજીવાર મજૂરોને રાસન કિટનું વિતરણ કરાયું

મોરબી : મોરબીના ધર્મપુર ખાતે આવેલ ફોનીક કલર દ્વારા બીજી વખત મજૂરોને 60 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ તેઓએ પ્રથમ લોકડાઉન વખતે પણ રાસન કીટનું વિતરણ કર્યું હતું.

ટંકારાના યુવાનો દ્વારા સલામતીના રખેવાળોને ચા-નાસ્તાનું વિતરણ

ટંકારા તાલુકાના ઓટાળા ગામના સાધારણ અને વાહન હંકારી પરીવાર ચલાવતા ખેડુત જગદીશભાઈ કચરાભાઈ વિસોડીયા હાલ કોરોના સામેના જંગમા સતત ખડે પગે રહી રાષ્ટૃ સેવા કરવા તૈનાત રહેતા પોલીસ, હોમગાડઁ અને જીઆરડી જવાનોને દરરોજ રાત્રે પોતાની સિમીત આજીવિકામાથી ગરમા ગરમ ચા નાસ્તો તૈયાર કરી તૈનાત પોલીસ સહિતના માનદસેવા કરતા જવાનોને ફરજના સ્થળે પોતાનુ વ્હિકલ લઈ પહોંચાડવાની ઉમદા સેવા કરી રહ્યા છે. તેમજ ભાટીયા પરીવારના મોભી રાજુભાઈ આશર, ગોવિંદભાઈ, મિતેષ મહેતા મધરાતે તાલુકાની ચેક પોસ્ટ હોસ્પિટલ કંટોલ રૂમ અને સરકારી કચેરીમા છેલ્લા  20 દિવસથી નાઈટ ડ્યુટી કરતા કર્મચારીઓ માટે ચા-પાણી વિતરણની સેવા આપી રહ્યા છે.   

બગથળામાં દામજી ભગતના હસ્તે રાશન કીટનું વિતરણ કરાયું

બગથળા ગામે સ્વૈચ્છિક રીતે ઉઘરાવેલા ફાળાથી તૈયાર કરેલ જીવન જરૂીયાતની ખાવાપીવા માટેની કીટનું વિતરણ સરપંચ, તલાટી કમ મંત્રી, બગથળા ગ્રામ પંચાયતના સદસ્ય, ગામના આગેવાનો તેમજ સેવાભાવી માણસોની હાજરીમાં નકલંક જગ્યા – બગથળાના મહંત દામજી ભગતના વરદ હસ્તે બગથળા ગામે રહેતા પરપ્રાંતિય મજૂરોને આશરે ૯૦૦ માણસોને ૧૫ દિવસ ચાલે તેટલા જથ્થાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

ટંકારા કોગેસ દ્વારા વધુ 200 રાશન કિટનુ વિતરણ કર્યુ

ટંકારા કોંગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણી, અશોક સંધાણી, મહેશ લાધવા, દુષ્યંત ભુત, અક્ષય અંધારા, જખરો ગપી પાટીદાર, રમેશ રબારી સહિતની ટીમ દ્વારા ટંકારા શહેરમા હાલની પરિસ્થિતિને પારખી 200 જરૂયાતમંદ લોકોનુ લિસ્ટ કરી ચુલો સળગાવવા માટે ખુટતુ રાશન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્ય માટે રાજુ સવસાણી, ભુપત ભિમાણી, રાજુ ભાલોડિયા, બાબુભાઈ ધોડાસરા સહિતનાઓ એ સહયોગ આપ્યો હતો અને કોઈ ગરીબ ભૂખ્યો ન સુવે એ માટે નેમ લઈ માનવતા દાખવી હતી.

નીચી માંડલ ગામમાં રાશન કીટનું વિતરણ

નીચી માંડલ ગામમાં ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જરૂરિયાતમંદને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા ગરીબોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી.

રાજશ્રી મુનિ (લાઈફ મિશન) સંસ્કૃતિ અને યોગ (ગઠન) ટ્રસ્ટ દ્વારા મજૂરો માટે એક ટંકના ભોજનની વ્યવસ્થા

રાજશ્રી મુનિ (લાઈફ મિશન) સંસ્કૃતિ અને યોગ (ગઠન) ટ્રસ્ટના રમેશભાઈ ઘેટીયા દ્વારા ટીંબડી ના પાટીયા પાસેની ઝૂપડપટ્ટીમાં, મહેન્દ્રનગરની ઝુંપડ પટ્ટીમાં તથા નેશનલ હાઈવે વિસ્તારની ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબોને સાંજનું ભોજન પહોંચાડવામાં આવે છે. આ કાર્યમાં લાઇફ મિશનના સભ્ય ગણેશભાઇ રંગપરીયા તથા ભરતભાઈ મિસ્ત્રી દ્વારા આપવામાં આવે છે. તેમજ સિદ્ધિવિનાયક વાડીના માલિક ગિરિશભાઈ જોષી તથા ભક્તિનગર સોસાયટીના રહીશો દ્વારા સેવા આપવામાં આવે છે આ કાર્ય ટ્રસ્ટના પ્રમુખ કે. જી. કુંડારીયાના માર્ગદર્શન હેઠળ ચલાવામાં આવે છે.

ઇન્ડિયન બેંકના મેનેજર દ્વારા જિલ્લા પંચાયત કચેરીના કર્મચારીઓને માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ કરાયું

ઇન્ડિયન બેંક મોરબી બ્રાંચનાં મેનેજર વિજયકુમાર ત્રિવેદી દ્વારા જિલ્લા પંચાયત મોરબીની કચેરીના અધિકારી-કર્મચારીઓના ઉપયોગ માટે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાને 500 નંગ માસ્ક તથા 50 નંગ સેનીટાઈઝરની બોટલનું યોગદાન આપી, આ નોવેલ કોરોના વાયરસ અટકાયતી પગલાની પ્રવુતીમાં સહભાગી બન્યા છે.

નારણકા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરાયા

નારણકા ગ્રામ પંચાયત સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજા તથા તલાટીક્રમ મંત્રીશ્રી ડી.પી. જાડેજાએ ૩ મે સુધી લંબાવેલ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા કડક અમલવારી કરી કોઈપણ ગ્રામજનોએ બિનજરૂરી કામ શિવાય બહાર ન નીકળવા સુચન કરવામાં આવ્યું છે. તેમજ કોરાના વાયરસના ચેપથી બચવા નારણકા ગ્રામ પંચાયત દ્વારા વિનામુલ્યે ઘરે-ઘરે જઈ માસ્ક વિતરણ કરાયા હતા. તમામ ગ્રામજનોએ ફરજિયાત મોં પર માસ્ક પહેરીને જ કામ અર્થ નીકળવું, તથા લોકડાઉનનું પાગલ ન કરી બિનજરૂરી કામ સિવાય નીકળેલ વ્યકિતને પોલીસ દ્વારા અટક કરવામાં આવશે તો તે પોતાની જવાબદારી રહેશે. તેવી નારણકા ગ્રામ પંચાયત દ્વારા સુચનો જાહેર કરાયા હતા.

બરવાળામાં સરપંચ દ્વારા માસ્કનું વિતરણ કરાયું

બરવાળા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ બાવરવા દ્વારા ગ્રામજનોને 1800 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, ગ્રામજનોની કોરાનાથી સાવચેતી માટે માસ્ક વિતરણનું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી સહીત વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળીયા (મી.)માં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ પછાત વિસ્તારમાં તથા હોસ્પિટલોમાં જઈ જરૂરી સેવાઓ આપીને લોકડાઉન દરમિયાન પણ પોતાની નૈતિક ફરજ નિભાવી માનવતાને ઉજાગર કરી હતી.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text