મોરબીમાં લૂંટ કરનારા પંજાબના ખૂંખાર ગેંગસ્ટર્સને રાજકોટ જેલમાં અતિ સુરક્ષિત બેરેકમાં ખસેડાયા

- text


રીમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટનો હૂકમ : બે શખ્સો હજુ ફરાર, શોધખોળ

મોરબી : મોરબીમાં દિલધડક લૂંટને અંજામ આપનારા પંજાબના કુખ્યાત ચાર ગેંગસ્ટરો લુંટ, લુંટ વિથ મર્ડર, મર્ડર, મર્ડરની કોશિશ સહિતના 70 થી વધુ ગુનામાં સંડોવાયેલા છે. માટે તેઓની રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે કરેલા ખાસ આદેશ મુજબ તેઓને રાજકોટ મધ્યસ્થ જેલના અતિસુરક્ષિત બેરેકમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુક્ત શાખામાં ગત 20 ફેબ્રુઆરીના રોજ 6.44 લાખના મુદામાલની લુંટ કરવામાં આવી હતી. ગણતરીની કલાકોમાં જ ગ્રામજનોની મદદથી પોલીસે પંજાબના કુખ્યાત ગેંગસ્ટરોમાંથી ચાર આરોપીઓને દબોચી લીધા હતા અને તેને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન વિગતો સામે આવી હતી કે, આરોપી મનદીપસિંગ પાલસિંગ જટ શીખ (ઉ 28), બલવિંદર સિંગ ઉર્ફે ગોલી જોગીન્દરસિંગ જટ શીખ (ઉ 25), અરુણકુમાર શ્રીલાલચંદ મજબી શીખ (ઉ 30) અને સંદીપકુમાર ઉર્ફે રવિ ગુરુમેલસિંગ ગુર્જર (ઉ 30) કુખ્યાત ગેંગસ્ટર છે અને પંજાબમાં લુંટ, હત્યા, હત્યાની કોશિશ, લુંટ વિથ હત્યા જેવા 70 થી વધુ ગુનામાં વોન્ટેડ છે. આ આરોપીઓ મોરબીની બેંકમાં લુંટ કરવા માટે વિદેશી પિસ્તોલ સહિતના હથિયાર લઈને આવ્યા હતા અને આ હથિયાર તેને યુપીમાંથી રૂપિયા 50 હજારથી એક લાખ સુધીની કિમત ચૂકવીને લીધા હોવાની પોલીસ સમક્ષ આરોપીઓએ કબુલાત આપી છે.

- text

આરોપીઓના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા ત્યારે આરોપીના ગુના હિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને મોરબીની સબ જેલમાં મોકલવાના બદલે કોર્ટે ચારેય આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો જેથી આરોપીઓને હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલના અતિ સુરક્ષિત બેરેકમાં રાખવામાં આવ્યા છે. હજુ પણ પંજાબના તરનતારનના રહેવાસી રણજીતસિંગ ઉર્ફે રાણો બલવીરસિંગ મજબી અને સોનુસિંગ સતનામસિંગ જાટને પકડવાના બાકી છે માટે બી ડીવીઝન પોલીસ દ્વારા આ આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- text