મોરબી જિલ્લાના ગેઇટ વાળા ડેમો પર કાયમી ગેઇટ ઓપરેટરોની નિમણૂક કરવા કે.ડી.બાવરવાની રજુઆત

- text


અગાઉ નિમણૂક પામેલા નિષ્ણાંત એવા કાયમી કર્મચારીઓની વયનિવૃત્તિ બાદ હાલ હંગામી કર્મચારીઓથી કામ ચલાવાય છે 

મોરબી : સૌરાષ્ટ્રમાં પૂર્વ કોંગ્રેસની સરકારો દ્વારા ઘણા નાના તેમજ મોટા ડેમો બનાવાયા હતા ત્યારે આ ડેમો પર જે તે સમયે તાલીમબદ્ધ ગેઇટ ઓપરેટરોની નિમણૂક કરાઈ હતી. જો કે આવી નિમણૂક મોરબી પાસેના મચ્છુ-2 ડેમ 1979ના વર્ષમાં અતિ વરસાદના કારણે ડેમ તૂટી ગયો ત્યાર બાદ થઈ હતી.

મોરબીની જળ હોનારત બાદ સરકાર દ્વારા સેફટી માટે અને તકેદારીના પગલાં રૂપે દરેક ડેમો ઉપર ગેઇટના ઓપરેશન અને મેઇનટેનન્સ માટેની ઘણી સુવિધાઓ કરવામાં આવેલ હતી. આ વ્યવસ્થા અંતર્ગત યોગ્ય તાલીમબધ્ધ અને ક્વોલિફાઇડ સ્ટાફની ભરતી પણ કરવામાં આવેલ હતી. જેના દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન, તેમજ ખાસ કરીને ચોમાસામાં ડેમ સાઇટ ઉપર વિવિધ શિફ્ટમાં ફરજો અને જવાબદારી સોંપવામાં આવતી હતી. આ વ્યવસ્થાને કારણે 1979થી ઘણા સમય સુધી ડેમના ગેઇટ તેમજ અન્ય મશીનરીની સારસંભાળ રાખવામા આવતી હતી.

પરંતુ હાલમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો સહિત મોરબીના ડેમો પર પણ જેતે સમયે નિમણૂક કરવામાં આવેલ તાલીમબધ્ધ અને ક્વોલિફાઇડ સ્ટાફ નિવૃત થઈ ગયો છે. ત્યાર બાદ હાલમાં અનક્વોલિફાઇડ અને રોજમદાર જેવા સમાન્ય કર્મચારીઓ દ્વારા આ કામગીરી લેવામાં આવી રહી છે. તેવું જાણવા મળેલ છે. સરકારને આવા ડેમોની સુરક્ષા અને સેફ્ટીની ગંભીરતા બાબતે કોઈ ચિંતા નથી તેવું પ્રતીત થઈ રહ્યું છે. ખુબ જ અગત્યના અને લોકોના જાનમાલના રક્ષણ સાથે સંકળાયેલા આ મુદ્દે સરકાર ઉદાસીનતા દાખવે છે. મચ્છુ-2 ડેમ તૂટવાનો કમનસીબ બનાવ બન્યો હતો એવા બીજા કોઈ બનાવ બને તેની રાહ સરકાર જોઈ રહી છે તેવું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text

તાત્કાલિક ધોરણે આવા ડેમો ઉપર ગેઇટ ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન તેમજ ક્વોલોફાઇડ મિકેનિક સ્ટાફની ભરતી કરીને આ ડેમોને સુરક્ષિત કરવામાં આવે તેવી માંગણી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના કાંતિલાલ ડી. બાવરવાએ કરી છે.

- text