મોરબીના લાતીપ્લોટમાં ઉભરાતી ગટરની ભયંકર સમસ્યાને કારણે લઘુ ઉધોગકારો ત્રસ્ત

- text


ચોમાસા પછી તંત્રની ઘોર બેદરકારીના કારણે લાતીપ્લોટની નર્કાગાર જેવી હાલત : લાતીપ્લોટ 6 થી મહેન્દ્રપરા સુધી ઉભરાતી ગટરની બેસુમાર ગંદકી : લઘુ ઉધોગોના વેપાર ધંધા ઠપ્પ

મોરબી : મોરબી શહેરની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટની પાલિકા તંત્રની ઘોર અવગણનાના પાપે નર્કાગાર જેવી હાલત થઈ ગઈ છે. ખાસ કરીને ચોમાસા પછી લાતીપ્લોટની ઘોર અવદશા થઈ ગઈ છે. જેમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લાતીપ્લોટની ઘોર ખોદાઈ જાય તેવી કપરી સ્થિતિ સર્જાઈ છે. લાતીપ્લોટ શેરી નંબર 6 થી મહેન્દ્રપરા સુધી ગટર ઉભરાઈ રહી હોવાથી બેસુમાર ગંદકી ફેલાઈ રહી છે.મોરબીમાં 1 થી 12 ઉભી શેરીઓમાં પથરાયેલા વિશાળ લાતીપ્લોટની તંત્રના પાપે પહેલેથી જ ખરાબ હાલત છે. ખાસ કરીને ચોમાસામાં પછી લાતીપ્લોટ વિસ્તારની નર્કાગાર જેવી હાલત થઈ ગઈ છે. જેમાં સતત ગટર ઉભરાવવાની ભયંકર સમસ્યાને કારણે લાતીપ્લોટની આવી ખરાબ હાલત થઈ ગઈ છે. લાતીપ્લોટ મેઈન રોડ શેરી નંબર 6થી મહેન્દ્રપરા વિસ્તાર સુધી સતત ગટરના ગંદા પાણી ઉભરાઈ છે. આ આખા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યાં છે. જેથી, અહીં નાના મોટા ઉધોગ ધરાવતા ઉધોગકારો ભારે પરેશાન થઈ ગયા છે. અને ઉધોગકારોને આ ગટરની સમસ્યાને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે.

- text

લાતીપ્લોટમાં ઉભરાતી ગટરની ગંદકીના કારણે બારેમાસ વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ રહે છે. ગટરની ઉભરાતી ગંદકી વચ્ચે ઉધોગકારોને ધંધા કરવા પડે છે. તેથી, ઉધોગ ધંધા પર માઠી અસર સર્જાઈ છે. ઉધોગકારોને ગટરની ગંદકી વચ્ચે જ ધંધા માટે અવરજવર કરવી પડે છે. જો કે અગાઉથી ખરાબ હાલતને કારણે લાતીપ્લોટમાં મોટા મોટા ઉધોગોએ ઉચાળા ભરી લીધા હતા અને અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયા હતા. ત્યારે હવે લાતીપ્લોટમાં માત્ર લઘુ ઉધોગકારો જ બચ્યા છે. ગટરની સમસ્યાને કારણે આ લઘુ ઉધોગકારોના અસ્તિત્વ પર ખતરો મંડરાઈ રહ્યો છે. જો કે આ બાબતે અનેક રજુઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. ત્યારે ગટરની સમસ્યાને કારણે થોડા સમય પહેલા નવો બનેલો લાતીપ્લોટ મેઈન રોડ ઉપર પણ ખાડા પડી ગયા છે. ગટરના પાણી ભરાવવાના કારણે નવો બનેલો આ રોડ પણ ઠેરઠેર તૂટી ગયો છે અને લઘુ ઉધોગકારોના વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. ત્યારે આ લઘુ ઉધોગકારોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તંત્ર નક્કર પ્રયાસો કરે તેવી માંગ ઉઠી છે.

- text