મોરબીના ધારાસભ્ય મેરજા દ્વારા સંકલન સમિતિની બેઠકમાં અનેક પ્રશ્નોની રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લા અને સંકલન સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જિલ્લાના ટોચના અધિકારીઓની ઉપસ્થિતિમાં મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સમસ્યાઓને લગતા વિવિધ પ્રશ્નો ઉઠાવી તેનો સમયસર નિકાલ લાવવા માટે આગ્રહ સેવ્યો હતો.

ધારાસભ્યએ મોરબીના આલાપ રોડ પરના વોંકળા ઉપર કરવામાં આવેલ દબાણને લીધે ઉભી થનાર સંભવિત જળ હોનારતની અગમચેતી સાથે આ દબાણો દૂર કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ ઉપરાંત, નવલખી બંદરેથી ઓવરલોડેડ વાહનોને લીધે થતા અકસ્માતની ગંભીરતા પણ પોર્ટ ઓફિસર સમક્ષ દાખવીને ગ્રીન ટ્યુબીનલની ગાઈડ લાઈનના સરેઆમ ભંગ સબબ તકેદારી સેવવા તાકીદ કરી હતી. તેમજ પંચાયત હસ્તકના મંજુર થયેલા રસ્તાઓમાં ટેન્ડર પ્રક્રિયા ધીમી ચાલતી હોય, તેમાં વેગ લાવવા જણાવ્યું હતું.

- text

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સૂચવેલા જુદા-જુદા કામોમાં સંબંધિત અમલીકરણમાં અધિકારી સેવાતા વિલંબ નિવારાય તે ધ્યાને લેવા પણ જણાવાયું હતું. મોરબી-સોખડાનો જૂનો નાઈટ બસ રૂટ પુન: ચાલુ કરવા, મોરબીના કેશવનગર ગામના રહેણાંકના મકાનોની સનદો આપવા, મેઘપર ગામેથી જુના નાગડાવાસને જોડતો મચ્છુ નદીનો કોઝ-વે ઊંચો કરવા, મોરબી અને માળીયા (મી.) તાલુકામાં ખેડૂતો અને પશુપાલકોના રાવણાહક્ક તેમજ બુટલેખથી કબ્જો ધરાવતા ખરાવાડ અને વાડાઓને રેગ્યુલાઇઝ કરવા, મોરબી શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ વિદ્યુત બોર્ડના સ્ટેશનો શિફ્ટિંગ તાકીદે કરવા, મોરબી-માળીયા (મી.) અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ હેઠળના માઇનોર કેનાલના પ્રશાખાના બાકી કામો તાકીદે પુરા કરવા તેમજ મોરબી-રાજકોટ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા રેલવેના ઉપસ્થિત અધિકારી સમક્ષ માંગણી કરી હતી.વધુમાં, પાણી પુરવઠા અને માર્ગ મકાનના સંકલનના અભાવે રાપર ગામની પીવાના પાણીની પાઇપ લાઈન તૂટી જવાના વારંવાર બનતા બનાવો અટકાવવા તેમજ માળીયા (મી.) નગરપાલિકાના ડ્રેનેજના કામો તાકીદે કરવા જણાવ્યું હતું.

- text