મોરબીના લીલાપર ગામે મકાન માલિકની હત્યા કરનાર ભાડુઆતને આજીવન કેદ

- text


રિક્ષામાં અપહરણ કરીને માર મારી હત્યા નિપજાવવાના વર્ષ 2015ના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, બે શખ્સોને નિર્દોષ છોડી મુકાયા

મોરબી : મોરબીના લીલાપર ગામે વર્ષ 2015માં મકાન માલિક દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં ભાડુઆત વચ્ચે પડ્યો હતો. જેથી તેને કડવા વેણ સાંભળવા પડ્યા હતા. જે વાતનો ખાર રાખી ભાડુઆતે મકાન માલિકનું ઢીમ ઢાળી દીધું હતું. આ કેસનો આજે કોર્ટે મહત્વનો ચુકાદો આપીને આરોપી ભાડુઆતને આજીવન કેદની સજા સાથે રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે અને અન્ય બે શખ્સોને નિર્દોષ ઠેરવ્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લીલાપર ગામે 24/11/2015ના રોજ રામજીભાઈ ગિરધરભાઈ વાણંદ ઉ.વ.40ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ મામલે તાલુકા પોલીસે તપાસ કરતા એવું બહાર આવ્યું હતું કે મૃતક રામજીભાઈ અને તેના પત્ની કાજલબેન વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે રામજીભાઈ મોટેથી રાડો પાડતા હોવાથી તેમના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા અને ટ્રાન્સપોર્ટનું કામ કરતા જનક ઉર્ફે અર્જુન કિશોરભાઈ બોરીચા તેમને સમજાવવા માટે ગયા હતા.

બાદમાં રામજીભાઈએ જનકને કડવા વેણ કહ્યા હતા. જેથી જનક ઉપર ખુન્નસ સવાર થઈ જતા તેને જીગો ખોડાભાઈ અને સાગર ઉર્ફે ડો.રાજુ કુકવા સાથે મળીને રામજીભાઈનું રિક્ષામાં અપહરણ કરી લઈ જઈને ધોકા અને લાકડીથી માર મારી તેની હત્યા કરીને લાશને ગામના ઝાપા પાસે ફેંકી દીધી હતી.

- text

આ કેસ આજે ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આધાર પુરાવાઓને ધ્યાને લઈને જનક ઉર્ફે અર્જુન કિશોરભાઈ બોરીચાને કસૂરવાર ઠેરવીને તેને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે રૂ. 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. જો તે આ દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સજા પણ ફરમાવી છે. જ્યારે અન્ય બે આરોપી જીગો અને સાગરને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયા હતા.


 

- text