મોરબીની લીલાપર પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન, ગણિત પ્રદર્શન યોજાયું

મોરબી : મોરબીમાં ગત તા.18 સપ્ટેમ્બરના રોજ લીલાપર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષા અને બી.આર.સી.કક્ષાનું “ડો.વિક્રમ સારાભાઈ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન” યોજાયું હતું. આ પ્રદર્શનના ઉદ્દઘાટન સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ એમ.સોલંકી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ એસ.પારેખ ખાસ ઉપસ્થિત રહી તેઓના હસ્તે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

‘ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને તકનીકી’ મુખ્ય વિષય અંતર્ગત જુદા જુદા પાંચ વિભાગોમાં તાલુકામાંથી કુલ 36 કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકોએ અને માર્ગદર્શક શિક્ષકોએ પ્રદર્શનમાં ભાગ લઈ પોતાની કૃતિની સમજ આપી હતી. આર્થિક સહયોગ આપનાર દાતાઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. નિર્ણાયક તરીકે અશોકભાઈ કામરીયા, નવીનભાઈ ભેંસદડીયા અને એન.વી. કાચરોલાએ પોતાની સેવા આપી હતી. નિર્ણાયકો દ્વારા પસંદ થયેલ કૃતિઓ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં જશે. આ તકે મોરબી તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયા અને લીલાપર ગામના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રદર્શનના સમાપન અને પ્રોત્સાહન કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા અને ઘટક સંઘના હોદ્દેદારો તેમજ શિક્ષક શરાફી મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો અને શાળાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ લીલાપર પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. શાળાના પૂર્વ શિક્ષિકા ગીતાબેન દેલવાડિયા તેમજ દાતાઓ દ્વારા બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતા.

આ ઉપરાંત, શ્રી લીલાપર પ્રાથમિક શાળા પરિવારનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રમેશભાઈ કાલરીયાનું ખાસ સન્માન થયું હતું. તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી ખૂબ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આચાર્યઓ અને શિક્ષકો પ્રદર્શન નિહાળવા આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન ગામ આગેવાનો, એસ.એમ.સી.તેમજ સમસ્ત ગ્રામજનોએ ખાસ હાજરી આપી હતી. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલ, બી.આર.સી.કો.ઓર્ડીનેટર સંદીપભાઈ બી. આદ્રોજા સહીત તમામ સી.આર.સી.કો. ઓર્ડિનેટર તેમજ લીલાપર શાળાના આચાર્ય નિલેશભાઈ પારેજીયા અને શાળા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર પ્રદર્શન અંતર્ગત આયોજિત સમારોહનું સફળ સંચાલન ઘુનડા (સ.) પ્રાથમિક શાળાના શિક્ષક શૈલેષ એ.ઝાલરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.