મોરબીની ઐતિહાસિક ધરોહર સમી એલ. ઇ. કોલજની જૂની બિલ્ડીંગ તોડી પાડવા તંત્રની મેલી મુરાદ

- text


માર્ગ અને મકાન વિભાગે બિલ્ડીંગ રીપેર કરવાના બદલે ભયજનક જાહેર કરી ડીમોલિશનની હિલચાલ શરૂ કરી : ડીમોલિશન સામે રાજવી પરિવારનો સખ્ત વિરોધ

છ વર્ષ પૂર્વે મહારાણી સાહેબે આ ધરોહરની જાળવણી માટે તંત્રના વાહકોને રજુઆત કરી હતી પરંતુ તે સમયે કોઈ પગલાં લેવાયા ન’તા

- text

મોરબી : મોરબીના ઐતિહાસિક ધરોહર ગણાતા અને નજરાણા સમાન નજર બાગ પેલેસ એટલે કે હાલની એલઇ કોલેજની જૂની બિલ્ડીંગને રીપેર કરી આ ઐતિહાસિક બિલ્ડિંગની જાણવાની કરવાના બદલે તેને તોડી પાડવાની તંત્ર દ્વારા હિલચાલ શરૂ કરતા મોરબીના રાજવી પરિવારે આ બાબતે વિરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે1881માં મોરબી ઠાકોર સર વાઘજીએ આ મહેલ રાજ પરિવારના રહેઠાણ માટે બંધાવ્યો હતો. જેને મોરબી મહારાજાશ્રી લખધીરજીની સ્મૃતિ અર્થે “લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ”ના નામકરણ સાથે મહારાજા મહેન્દ્રસિંહજીએ તત્કાલીન સૌરાષ્ટ્ર રાજ્યને બક્ષિસમાં આપ્યો હતો. એલ.ઈ.કોલેજના નામે ઓળખાતી આ ઐતિહાસિક ઇમારતને હાલ ભયજનક હોવાનું જણાવીને તેને જડમૂળથી તોડી પાડવાની હિલચાલ થઈ રહ્યાની જાણકારી મળી છે.મોરબીની આ ઐતિહાસિક ધરોહર સમાન ઇમારત અંગે તારીખ 05/09/2013ના રોજ હીઝ હાઈનેસ મહારાણી સાહેબ ઓફ મોરબી દ્વારા સબંધિત તંત્રવાહકોને આ ઇમારતની જાળવણી બાબતે રજુઆત કરાઈ હતી. જેનો તંત્રવાહકોએ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો ન હતો. હેરિટેજ બિલ્ડીંગ હોવાથી તંત્ર તરફથી આવી ઈમારતોને મોટેભાગે વિશેષ સૌરક્ષણ આપવામાં આવતું હોય છે ત્યારે આ ઇમારતને બચાવવા તંત્રવાહકોએ સામે ચાલીને આગળ આવવું જોઈએ એવું રાજવી પરિવારનું માનવું છે. જયારે અહીં તો સ્થાનિકો સહિત રાજવી પરિવારની લાગણી અને માંગણીને પણ અવગણવામાં આવતા અનેક શંકા-કુશંકાઓ સાથે આશ્ચ્રય સર્જાયું છેસ્વાભાવિકપણે જ મોરબીવાસીઓની સાથો સાથ રાજવી પરિવાર પણ એમની પૈતૃક ધરોહર પ્રત્યે સંવેદનશીલ હોય. જે-તે વખતે સમયની માંગ પ્રમાણે દેશી રજવાડાઓ ઉદાર હાથે દેશહિતમાં પોતાના મહેલો રાષ્ટ્રને સમર્પિત કરી દેતા હતા. ત્યારે આ ધરોહરને સાંચવીને તેની જાળવણી કરવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની બની જતી હોય છે.સરકારી તંત્ર રાજકીય વારસાને નેસ્તનાબૂદ કરી દયે એ માટે દેશી રજવાડાઓ પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કર્યું ન હતું. દેશને સમર્પિત આ વારસો અત્યાર સુધી દેશ માટે કામમાં આવતો રહ્યો ત્યાં સુધી એને જાળવી રખાયો પણ એના રખરખાવ અને જાળવણીની જરૂરિયાત ઉદભવી ત્યારે સરકાર એનો નાશ કરવાનો નિર્ણય લ્યે તે બિલકુલ ઊંચીત પરિસ્થિતિ નથી એવું રાજવી પરિવારનું માનવું છે. ત્યારે તંત્ર હવે આ બાબતે શું નિર્ણય લ્યે છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.ઉલ્લેખનિય છે કે અગાઉ ચાર વર્ષ પૂર્વે માર્ગ અને મકાન વિભાગે આ બિલ્ડીંગને ભયજનક જાહેર કરી હતી. હાલ આ ડીમોલિશનનું ભૂત ફરી ધુણ્યું છે. ત્યારે રાજવી પરિવાર આ ડીમોલિશનનો સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે.

- text