સ્વતંત્રતા પર્વે મોરબી પોલીસ પરિવારના વૃક્ષપ્રેમી દિગ્વિજયસિંહ નું સન્માન

મોરબી : ટંકારા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વે મોરબી પોલીસ પરિવારના દિગ્વિજયસિંહ જાડેજાનું પર્યાવરણ જતન અંગે વિશેષ યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

મૂળ મોરબીના મોટી વાવડી ગામના વતની દિગ્વીજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા જામનગર જીલ્લામાં પોલીસમાં ભરતી થયા બાદ ધ્રોલ,રાજકોટ,પડધરી,મોરબી તાલુકા અને ગોંડલ તાલુકામાં પ્રશન્સનીય કામગીરી કરી છે અને હાલ મોરબી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાનાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહએ પોલીસ ડીપાર્ટમેન્ટમાં ૩૨ વર્ષની સર્વિસ દરમિયાન અનેક પ્રસંશનીય કામગીરી કરતા તેઓને અત્યાર સુધીમાં ૫૭ ઇનામો અને રોકડ રકમના ઇનામો મેળવેલ છે.
પોલીસ વિભાગમાં ભાગદોડ ભરી ફરજમાં પણ દિગ્વિજયસિંહ પર્યાવરણ પ્રકૃતિને જાળવવા માટે પ્રયત્નશીલ રહે છે તેઓએ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ કચેરી ખાતે તેમજ પોલીસ અધિક્ષક મોરબી ખાતે સુંદર બાગ-બગીચા તૈયાર કરી વૃક્ષો વાવી તેનું જતન કરી પ્રસંશનીય કામગીરી કરી છે જે બદલ ૧૫ ઓગસ્ટે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.