મોરબી નજીકથી 39 ગૌવંશ ભરેલી બે શંકાસ્પદ ટ્રક ઝડપાઇ : ગાયો ગૌશાળા લઈ જતી હોવાનું પોલિસે જણાવ્યું

સરકારી નિયમો વિરુદ્ધ ટ્રકમાં ઠાંસી-ઠાંસીને ભરેલી ગાયો મુક્ત કરાવવા શિવસેના,પાસના આગેવાનો અને ગૌ રક્ષકો મેદાને આવ્યા પરંતુ ગાયો કોડીનાર ગૌશાળા લઈ જવાતી હોય ટ્રક જવા દેવાઈ

મોરબી : શિવસેનાના આગેવાનો અને ગૌ રક્ષકો દ્વારા કચ્છથી કોડીનાર લઈ જવાય રહેલી 37 ગાયો ભરેલી શંકાસ્પદ ટ્રકને હાઇવે પરથી પકડી પોલીસ હવાલે કર્યા બાદ મોટા રાજકીય આગેવાનોના ફોનની ઘણધણાટી ચાલુ થતા ખુદ જિલ્લા પોલીસવડા બી-ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા પરંતુ અંતે આ ગાયો કોડીનાર દિનુભાઈ બોઘાભાઈ સોલંકીની ગૌશાળાએ લઈ જવાતી હોય ટ્રકને મુક્ત કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ આજે કચ્છ તરફથી મોટા-મોટા ટ્રેલર ટ્રકમાં ગૌવંશ ભરાઈને નીકળ્યા હોવાની બાતમી શિવસેના મોરબી અને ગૌરક્ષકોને મળતા હાઇવે પર વોચ ગોઠવતા કચ્છ હાઇવે પરથી ટ્રક નંબર જીજે32ટી 3809 અને જીજે 32 ટી 3600 નંબરના ટ્રકમાંથી ઠાંસી ઠાંસી ને ભરેલા 39 ગૌવંશ મળી આવ્યા હતા જેને પગલે શિવસેનાના દિગુભા ઝાલા,કમલેશભાઈ બોરીચા,નિલેશભાઈ સહિતના અગેવાનોએ બંને ટ્રક બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.

વધુમાં સરકારી નીતિ નિયમો નેવે મૂકી અમાનવીય રીતે બંને ટ્રકમાં ભરવામાં આવેલા પશુઓ કચ્છના ડગારા ગામમાંથી ભરવામાં આવ્યા હોવાનું અને જે દાખલો ટ્રક ચાલક પાસેથી મળ્યો તેમાં 41 ગૌવંશ દર્શાવ્યાનું જણાવાયું છે પરંતુ ટ્રકમાં 37 ગાયો હોવાનું શંકાસ્પદ લાગ્યું હતું.

આ મામલે પોલીસ અને શિવસેનાના આગેવાનો પર ટ્રકને મુક્ત કરવા ટોચના રાજકીય માથાઓના ફોન આવી રહ્યા હોય ખુદ જિલ્લા પોલીસવડા પણ બી ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા.
દરમિયાન આ અંગે બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધતા હજુ સુધી ગુન્હો દાખલ ન થયો હોવાનું અને કોડીનાર ગૌ શાળા દ્વારા ગાયો મંગાવી હોવાનું લખાણ આવ્યું હોવાનું જણાવ્યું હતું
બીજી તરફ શિવસેના,ગૌરક્ષકો અને પાસના આગેવાન મનોજભાઈ પનારા સહિતના અગ્રણીઓ આ ગૌવશની હેરફેર ગેરકાયદે હોવાથી ગુન્હો નોંધવા અંગે પોલીસ મથકે ભેગા થયા હતા પરંતુ છેલ્લે કોડીનાર ભાજપ અગ્રણી દિનુભાઈ બોઘાભાઈ સોલંકીની ગૌશાળામાં ગાયો લઇ જવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ બનતા અંતે બંને ટ્રકને પોલીસે મુક્ત કરી હતી.