મોરબી : અનાથ આશ્રમની બે બાળાઓનું અઢી વર્ષ બાદ પરિવાર સાથે મિલન

- text


મોરબીમાં બે બહેનો ભીખ માંગતી હાલતમાં મળી આવ્યા બાદ બંનેને અનાથ આશ્રમમાં આશ્રય મળ્યો હતો. જો કે પહેલા બંને બહેનો પિતા હયાત નથી તેવું ખોટું બોલ્યા બાદ માવતર વિશેની કથા જોઈને હ્રદય પરીવર્તન થયું હતું અને સાચી વાત અનાથ આશ્રમના સંચાલકોને કરી દીધી હતી. બાદમાં અનાથ આશ્રમના સંચાલકોએ તેના પરિવારજનોની શોધખોળ કરીને બંને બાળાઓને તેના પરિવારજનોને સોપી દીધી હતી.

- text

નાગનાથ શેરીમાં ગત તા. ૧૪નવેમ્બર ૨૦૧૪ના રોજ બે બાળાઓ ભીખ માંગતી હતી. આથી ત્યાં રહેતા શિક્ષિકા વર્ષાબેને આ અંગે અનાથ આશ્રમને જાણ કરી હતી. બાદમાં અનાથ આશ્રમના સંચાલકો બને બહેનોને લઈ જઇ પોતાની સંસ્થામાં આશ્રય આપ્યો હતો. તે વખતે બંને બહેનોએ સંચાલકોને જણાવ્યુ હતું કે તેમના પિતાનું અવસાન થયુ છે. અને માતા એ ભાગીને બીજા લગ્ન કરી લીધા હતા. તેથી અનાથ આશ્રમના સંચાલકોએ આ બંને બાળા અનાથ હોવાનું માની તેમના ભણતર સહિતનો ઉછેર શરૂ કર્યો. આ દરમિયાન એક માસ પહેલા સંસ્થાની તમામ બાળાઓને અશ્વિનભાઈ જોષીની માવતર વિશેની કથા સંભળાવા લઈ જવાઈ હતી. પરંતુ આ કથાની બંને બાળાના માનસ પર જબરી અસર થઈ હતી ત્યાર બાદ બંને બાળાઓ સંસ્થાના સંચાલક ભરતભાઇ નિમાવત અને દમયતીબેન પાસે પોક મૂકીને રડીને જણાવ્યુ હતું કે, મારા પિતાનું અવસાન થયું તે વાત ખોટી છે. મારા પિતા કાકા કાકી સહિતનો પરિવાર મોરબીમાં જ રહે છે. અઢી વર્ષ અગાઉ બંને બાળાઓ તેના પિતા સાથે કચ્છમાં ભંગાર વેચવા ગઇ હતી. પરંતુ માતા ભાગી ગયા બાદ પિતા માનસિક સંતુલન ખોઈ બેસતા બંને પુત્રીઓને મારકૂટ કરતાં હતા અને બંને બાળાઓ ત્રાસમાંથી ભાગી છૂટીને ભીખ માંગતી હતી. અનાથ આશ્રમના સંચાલકો ભરતભાઇ નિમાવત અને દમયતીબેને બંને બાળાઓની આપવીતી જાણી તેના પરિવારજનોની શોધખોળ કરીને આજે તેના કાકા કાકી અને ભાઈ સાથે પુન:મિલન કરાવ્યુ હતું.

- text