મોરબી : બિલ વગર માલ વેચનારને પાંચ લાખથી દસ લાખનો દંડ એસોસિયેશન કરશે !

એક સેમ્પલ બોક્સ પણ બીલ વગર નહીં વહેચવાનો મોરબી સિરામિક એસો.ના મેમ્બરોનો મક્કમ નિર્ણય

જીએસટીના નિયમ મુજબ બીલ વગર માલ નહી મળે, જો કોઇ આવી ભુલ કરશે તેને પાંચ લાખથી દસ લાખનો દંડ કરવામાં આવશે અને માહિતી આપનારને ઇનામ આપવામા આવશે તેમજ તેની વિગતો ગુપ્ત રાખવામા આવશે

મોરબી સિરામિક એસો.ની જીએસટીની અમલવારી માટે જનરલ મીટીંગ રાખવામા આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ૭૦૦ જેટલા એસો.નાં મેમ્બરો હાજર રહ્યા હતાં. આ મીટીંગમાં મોરબી સિરામિક એસો. પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, મીટીંગ સ્થળની જગ્યા નાની પડવાથી ૧૦૦ જેટલા મેમ્બરોએ અઢી કલાક ઉભા રહીને મીટીંગમાં ભાગ લીધો હતો. આ હાજરી એસો.ના મેમ્બરોની જીએસટીને સ્વીકારવાની મક્કમ નિરધારનું પ્રતિક છે. દરેક મેમ્બર જીએસટીને ટેક્સ અને આર્થિક રીફોમઁ તરીકે સહર્ષ સ્વીકારે છે. મોરબીના સિરામીક ઉદ્યોગમાં સોનાનો સુરજ ઉગ્યો છે. મોરબીના ઉદ્યોગકારો દેશના વિકાસ માટે કટીબધ્ધ છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા જે સામુહીક નિર્ણય લેવામા આવ્યો કે, એક સેમ્પલ બોક્સ પણ જીએસટીના નિયમ મુજબ બીલ વગરનું નહી નિકળે અને જો કોઇ આવી ભુલ કરશે તેને પાંચ લાખથી દસ લાખનો દંડ દેવામાં આવશે અને માહિતી આપનારને ઇનામ આપવામા આવશે અને તેની વિગતો ગુપ્ત રાખવામા આવશે તો આ ઐતહાસીક નિર્ણયને બધાજ મેમ્બરોએ વધાવેલ અને આજથી જ તેની શરૂઆત કરી દીધેલ છે.
મોરબીના યુવા ઉદ્યોગકારો રાષ્ટ્રના વિકાસ માટે કટીબધ્ધ છે અને ખરેખર મોરબીની યુવા પેઢી પ્રગતિના પંથો સર કરીને વિશ્વમા પોતાની આગવી જે ઓળખ ઉભી કરેલ છે તેમાં એક નવી દિશા સાથે પોતે અસ્મિતા અને ખુમારીથી જીવવા અને ટેક્સ થકી રાષ્ટ્રના વિકાસમા સહભાગી થવા ન્યુ મોરબીના વિઝન સાથે આગળ આવવા માટે પ્રયત્ન કરેલ છે તે માટે નીલેશ જેતપરિયાએ દરેક ઉદ્યોગકારોનો આભારી માન્યો હતો.
આ મીટીંગમાં અલગ અલગ વક્તાઓ વક્તવ્ય આપીને જીએસટી વિશદ છણાવટ કરી હતી. આ મીટીંગમા પ્રમખશ્રીઓ કે. જી. કુંડારીયા, નિલેસ જેતપરીયા અને પ્રફુલભાઈ દેત્રોજા હાજરી માહિતી આપીને મેમ્બરોને તેમની શંકાનું સમાધાન કર્યું હતું. આ ઉપરાંત હીંમતનગરથી પણ ૨૦ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.⁠⁠⁠⁠