માળીયા નજીક દારૂની બોટલ ભરેલી છકડો રીક્ષા પલ્ટી ગઈ : ચાલકનું મોત

મૃતક છકડો રીક્ષા ચાલક કચ્છમાંથી દારૂની બોટલો ભરીને રાજકોટ તરફ જતો હોવાનું ખુલ્યું

માળીયા : માળીયાના હરિપર ગામ પાસે ગઈકાલે 192 નંગ વિદેશી દારૂ ભરેલી છકડો રીક્ષા અચાનક પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી છકડો રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું. પોલીસની તપાસમાં મૃતક છકડો રીક્ષા ચાલક કચ્છમાંથી દારૂની બોટલો ભરીને રાજકોટ તરફ જતો હોવાનું ખુલતાં આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલ જેતપુરના જેતલસર જંક્શન બાલકેશ્ર્વર મંદીરની બાજુમા અને રાજકોટના મહમંદીબાગ મસ્જીદ પાસે ગોંડલ રોડ પરના વતની અક્રમભાઇ ઇકબાલભાઇ ગુંગા (ઉ.વ.૩૧) નામના છકડો રીક્ષા ચાલક ગઈકાલે તા.૨૯ ના રોજ માળીયાના હરીપર ગામની ગોળાઇ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર પોતાની છકડો રીક્ષા નં.જીજે-૦૩-બી.યુ.-૫૯૦૧ ને લઈને પસાર થઈ રહ્યા હતા. તે વખતે તેમણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા છક્ડો રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી.આથી આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી છકડો રીક્ષા ચાલકનું મોત થયું હતું.

આ બનાવ અંગે માળીયા પીએસઆઇ આર. બી. ટાપરિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે આ અકસ્માતના બનાવની જાણ થતાં માળીયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ દરમિયાન છકડો રીક્ષામાંથી 192 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આથી, મૃતક વિદેશી દારૂની છકડો રીક્ષામાં હેરાફેરી કરતો હોવાનું હાલ બહાર આવ્યું છે. આ છકડો રીક્ષાચાલક કચ્છમાંથી વિદેશી દારૂ છકડો રિક્ષામાં ભરીને રાજકોટ તરફ જતો હોવાનું પણ જાણવા મળ્યું છે. આથી, આ વિદેશી દારૂની હેરાફરીમાં તેની સાથે કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરી છે. હાલ આ બનાવ અંગે માળીયા પોલીસે ફીરોજભાઇ ઇબ્રાહીમભાઇ સપાની ફરિયાદ વધુ તપાસ ચલાવી રહી છે.