હળવદમાં શ્રમજીવીને માર મારનાર બંને જીઆરડી જવાનો સસ્પેન્ડ

- text


અન્ય એક જીઆરડીને પણ ફરિયાદને પગલે સસ્પેન્ડ કરાયો

હળવદ : હળવદના નવા કડીયાણા ગામે ત્રણ દિવસ પહેલા બે જી.આર.ડી.ના જવાનોએ એક શ્રમજીવીને અને પૂજારીને સામાન્ય બાબતે પીવીસી પાઇપ વડે હુમલો કરી માથામાં પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતાની સાથે બન્ને જવાબદાર જીઆરડી જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત, એક અન્ય જીઆરડી જવાનને પણ ફરિયાદો ઉઠવાથી સસ્પેન્ડ કરી દેવાયો હોવાનું જાણવા મળે છે.

- text

નવા કડિયાણા ગામે રહેતા ભીખાભાઈ મગનભાઈ બપોરના સમયે મજૂરી કરી થાક્યા પાક્યા ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે લોકડાઉનની ફરજ માટે તૈનાત કરવામાં આવેલા બે જી.આર.ડી.ના જવાન ગોપાલભાઈ અને સી.એચ. સોલંકી ભીખાભાઈ પાસે આવી તેઓને કહેલ કે ધીમો ધીમો ચાલીને ઘરે કેમ જાય છે તેમ કહી ભીખાભાઈને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારવા લાગેલ હતા. આ સમયે ગામના પુજારી મુકેશગિરી વચ્ચે પડતા તેઓને પણ બંને જીઆરડીના જવાનોએ માર મારેલ હતો. આથી, ઇજાગ્રસ્ત શ્રમિક ભીખાભાઈ મગનભાઈએ હળવદ પોલીસ મથકમાં જીઆરડી જવાન ગોપાલભાઈ અને સી. એચ. સોલંકી વિરુદ્ધ ફરિયાદ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બનાવને લઈને ગ્રામજનોના રોષ અને ધારાસભ્ય પરસોતમભાઈ સબરીયાએ એસપીને રજુઆત કરતા ઉચ્ચ સ્તરે પડઘા પડ્યા હતા. જેથી, તાત્કાલિક અસરથી આ હુમલા કરનાર બન્ને જીઆરડી જવાનો ગોપાલભાઈ અને સી. એચ. સોલંકીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત, અન્ય જીઆરડી વાલજીભાઈ ખીમાભાઈની પણ ગેરવર્તનની ફરિયાદો ઉઠતા તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text