હળવદ નજીક વતન જવા નીકળેલા ૧૧૯૦ શ્રમીકોને અટકાવી પરત મોકલાયા

- text


મોરબી તેમજ અન્ય તાલુકામાંથી આવેલા શ્રમીકોને હળવદ અટકાવી વાડી માલિકો તેમજ ફેક્ટરી સંચાલકોને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ

હળવદ : જ્યારથી લોકડાઉન જાહેર કરાયું છે ત્યારથી ખાસ કરીને શ્રમિક પરિવાર પોતાના વતન જવા વાહન ન મળતા પગપાળા નીકળી પડ્યા છે. જો કે શ્રમિકો હળવદ આવી પહોંચતા તંત્ર દ્વારા તેઓના વતન જવાની વ્યવસ્થા કરી દેવાતી હતી પરંતુ આ સિલસિલો ચાલુ જ રહેતા તંત્ર દ્વારા ગઈકાલે વતન જવા નીકળેલા ૧૧૯૦ શ્રમીકોને હળવદ અટકાવી રાખી, તેઓ જે જગ્યાએથી આવ્યા છે ત્યાંના ફેક્ટરી સંચાલકો અને વાડી માલિકોને તંત્ર દ્વારા કડક સૂચના આપી શ્રમીકોને જરૂરી વ્યવસ્થા પૂરી પાડવા જણાવી પરત મોકલ્યા હતા. કોરોના વાયરસને પગલે ફેક્ટરીઓ બંધ કરવામાં આવી છે. જ્યારે ખેડૂતોએ પણ આ સિઝનનો મોટાભાગનો પાક લઇ લીધો હોય તેવામાં ત્યાં મજૂરી કરતા શ્રમિકોને સાચવવાની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાનું શ્રમિકો જણાવી રહ્યા છે. જેથી, પગપાળા પોતાના વતન જવા નીકળી પડ્યા છે. જો કે તંત્ર દ્વારા પણ થોડા દિવસો માનવતાના ધર્મે પગપાળા ચાલીને નીકળેલા શ્રમિકોને વાહનની વ્યવસ્થા કરી આપી હતી પરંતુ આ સિલસિલો યથાવત્ જ રહેતા લોકડાઉનનો ભંગ થતો હતો.

- text

જેથી, ગઈકાલે હળવદ ખાતે વતન જવા પગપાળા નીકળેલા ૧૧૯૦ શ્રમિકોને અટકાવી મામલતદાર વી. કે.સોલંકી, પી.આઈ. સંદિપ ખાંભલા, તાલુકા વિકાસ અધિકારી અમિત રાવલ સહિતનાઓ દ્વારા શ્રમિકો જે જગ્યાએથી આવ્યા છે ત્યાં પરત મોકલી આપ્યા હતા અને તંત્ર દ્વારા જણાવ્યું હતું કે હવે કોઇપણ રોડ પર ચાલતા નીકળશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરાશે.

- text