ચોમાસુ ૧૧ આની રહેશે : નેસડા ખાનપરના ખેડૂત દ્વારા ખાદલી પદ્ધતિથી અપાયો વરસાદનો વરતારો

- text


ટંકારા : આ વર્ષે પણ દુષ્કાળ જેવી સ્થિતિ રહેશે અને વર્ષ ૧૧ આની જેટલું રહેશે એવો વરતારો ટંકારાના એક ખેડૂતે પરંપરાગત રીતે જોવામાં આવતી ખાદલી પદ્ધતિથી (આકાશમાં રચાતું ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ દ્વારા નિર્મિત ચિત્ર) રજૂ કર્યું છે. ખગોળીય ઘટના ખાદલીને જોતા વર્ષ નબળુ થવાની આશંકા દર્શાવવામાં આવી છે. જે મુજબ ગણત્રી કરતા 22 જુન સુઘીમાં વાવણી થઈ જશે પરંતુ વરસાદ અનિયમિત રીતે થશે.

ટંકારાના નેસડા ખાનપરના ખેડુત કોઠા સુઝથી દર વરસે વરસાદની આગાહી કરે છે. ગયા વર્ષે પણ એમણે આગાહી કરીને કહ્યું હતુ કે વર્ષ નબળુ રહેશે. આગાહી કરવા માટે જે પદ્ધતિને અનુસરવામાં આવે છે એના વિશે જણાવીએ તો આ એક ખગોળીય ઘટના છે. જેને સ્થાનિક ભાષામાં ખાદલીના (એટલે કે આકાશી ચિત્ર) નામે ઓળખવામાં આવે છે. આ માટે ચૈત્ર સુદ પાંચમની રાત્રે આકાશમાં ગ્રહોની સ્થિતિનું નિરીક્ષણ અને અભ્યાસ કરવાનો હોય છે. આ નિરીક્ષણ પદ્ધતિમાં કૃતિકા નક્ષત્રને છોકરા તરીકે ઓળખવામાં આવે છે. રોહણી નક્ષત્ર માલના ગાડાથી ઓળખાય છે. ચંદ્રને વસિયત એટલે કે વેપારી કહેવાય છે. મૃગર્શી નક્ષત્રને રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે.

આ વર્ષે તારીખ 10 /4 /2019ને બુધવારે ચૈત્ર સુદ પાંચમની રાત્રે ખાદલી ઉપરના ચિત્ર પ્રમાણે જોતા એવું લાગે છે કે આ વર્ષે તારીખ 22 /6 /2019 આદ્રા નક્ષત્ર બેસતા જ વાવણી લાયક વરસાદ થઈ જશે. જે અંદાજે અઠવાડિયા સુધી ચાલશે.
ત્યાર બાદ ચોમાસુ નબળું પડી જશે અને વાયરો ફુકાતા વરસાદ ખેંચાઈ જશે. જે ખેડુતો માટે ચિંતા ઉપજાવશે. બીજો વરસાદ અષાઢ મહિનો ઉતરતા અને શ્રાવણની શરુઆતમાં આવશે જે માત્ર થોડી તરસ છીપાવીને જતો રહેશે. જોકે ભાદરવા મહિનામાં હેલી થતા નદી નાળા છલકાઈ જશે.

- text

જો આ અનુમાન સાચું માનીએ તો આ વર્ષે ઉત્પાદન ૧૧ આની આવે એવુ જણાય છે. વિગતવાર અહેવાલ મુજબ ખાદલીની ભાત પ્રમાણે વસિયત માલના ગાડાથી ઘણું પાછળ ચાલે છે. એ જોતા ખેત ઉત્પાદન મધ્યમ થાય. ચિત્ર જોતા એવું જણાય છે કે વસિયત માલના ગાડાથી દૂર છે. તે જોતા બજાર ભાવમાં મંદી વરતાય. ચિત્રમાં વસિયતે છોકરા રેઢા મુકેલ છે. તે સ્થિતિ માનવ સમુદાય પર મુશ્કેલીના એંધાણ દર્શાય છે. ચિત્રમાં એવું દર્શાય છે કે વસિયત રખેવાળની નજીક ચાલે છે. તે જોતા કુદરતી આફતના એંધાણ પણ વર્તાય છે. ડિસેમ્બરથી એપ્રિલ મહિનાની સ્થિતિ જોતા ડિસેમ્બર મહિનામાં ધન રાશિમાં છ ગ્રહો ભેગા જોવા મળે છે. તારીખ 26 /12/ 2019ના રોજ સૂર્યગ્રહણ પણ જોવા મળશે.

ખાદલીના તજજ્ઞ કિશોરભાઈ ભાડજા નેસડા ખાનપર ટંકારા વાળાએ (મોબાઈલ નં.
9586590601) વધુમાં જણાવ્યું હતું કે આકાશ દર્શન વર્ષોથી ચાલતી પરંપરા છે. જેના ઉપરથી દર્શતા ચિત્ર વિશે યોગ્ય આંકલન કરી અને સંભાવના દર્શાવી શકાય છે. જૂની પેઢીના વડવાઓ આ પરંપરાને અનુસરતા અને આવનારાં વર્ષનુ આયોજન ધડતા હતા એમ કિશોરભાઈએ અંતમાં જણાવ્યું હતું.

- text