ટંકારાના હડમતીયામાં ખોટો વારસાઈ આંબો તૈયાર કરીને સગાભાએ જમીન વેચી નાખતા ફરિયાદ

- text


કાયદેસરના વારસદાર હોવાનું જાણવા છતાં માતાનું નામ પણ કાઢી નાખ્યું : વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ૪ સામે નોંધાતો ગુનો

ટંકારા : ટંકારાના હડમતીયા ગામે આવેલ વારસાગત જમીન હડપી લેવા માટે સગાભાઈએ તલાટી કમ મંત્રી પાસે ખોટો વારસાઈ આંબો તૈયાર કરીને કરોડોની કિંમતી જમીન બારોબાર વેંચી મારી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફરિયાદના આધારે ટંકારા પોલીસે ૪ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટી શેરી નં. ૨માં રહેતા મનસુખભાઇ દેવકરણભાઈ કામરીયાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓના સગાભાઈ કરમશીભાઈ દેવકરણભાઈ કામરીયાએ ટંકારાના હડમતીયા ગામે આવેલ વારસાગત જમીન ખોટો આંબો તૈયાર કરીને વેંચી નાખી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે

- text

ઉપરાંત ફરિયાદીના માતા જબુબેન જીવીત હોવા છતા વારસાઈમા તેમનુ નામ નહી બતાવી આંબો ખોટો હોવાનુ જાણતા હોવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદી સાથે વિશ્ર્વાઘાત કરી પોતાના બાપુજી દેવકરણભાઈ શામજીભાઈ કામરીયાની હડમતીયા (પા) ગામે સર્વે નં-૩૯૯ પૈકીની ૨(બે) એકર ૨૨ ગુંઠા જમીન વેચી મારવા મામલે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલે પોલીસે હડમતીયા ગામે સર્વે નં. ૩૯૯ પૈકીની ૨ એકર ૨૨ ગૂંઠા જમીન વિશ્વાસઘાત કરીને જાણ બહાર વેંચી નાખવાના આ કૌભાંડમાં ફરિયાદના આધારે કરમશીભાઈ દેવકરણભાઈ કામરીયા, હંસરાજભાઈ પ્રેમજીભાઈ, જીણાભાઈ ભગુભાઈ, ગંગારામભાઈ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text