મોરબી : ઉદ્યોગપતિને હનીટ્રેપમાં ફસાવી એક કરોડની માંગણી

- text


ભારે ચર્ચાસ્પદ કિસ્સામાં ધ્રોલની યુવતી અને તેના સાગરીતની ધરપકડ : યુવાન સાથે શરીર સબંધ બાંધી તેનો વિડિઓ ઉતારી બ્લેકમેઇલ કરતા હતા

મોરબી : મોરબીમાં હનીટ્રેપના કિસ્સા સામાન્ય બન્યા છે ત્યારે ગઈકાલે ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જેમાં રૂપની માયાજાળમાં ફસાયેલા ઉદ્યોગપતિની કામલીલા વીડિયોમાં કેદ કરી ધ્રોલની યુવતીએ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા આ ચકચારી પ્રકરણ પોલીસ મથકે પહોચ્યું હતું, અંતે આ બનાવમાં ઉદ્યોગપતિની જાગૃતતાથી પોલીસે આ કેસમાં હનીટ્રેપથી ઉદ્યોગપતિને બ્લેકમેઇલ કરનાર યુવતી સહીત બેની ધરપકડ કરી છે.

અતિ ચકચારી બનેલા આ કિસ્સાની વિગતો જોઈએ તો મોરબીના એક ઉદ્યોગપતિ સાથે સંબંધો કેળવી મોહપાશમાં ફસાવ્યા બાદ ધ્રોલની યુવતી કાજલે રૂપના કામણ પાથરી શારીરિક સંબંધ બાંધી ચૂપચાપ રીતે તેનો વીડિયો ઉતારી, આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રૂ.૧ કરોડની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. ઉદ્યોગપતિની આ ફરિયાદના આધારે પોલોસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મોરબીના ઉદ્યોગપતિને કાજલના કામણમાં ફસાવવાની આ ઘટનાની પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ ધ્રોલના વાડી વિસ્તારમાં રહેતી કાજલ હેમરાજભાઈ પરમાર ઉ.વ.૨૪એ મોરબીના ઉદ્યોગપતિ સાથે પરિચય કેળવ્યો હતો અને બાદમાં સંબંધો ગાઢ બનાવ્યા હતા જેમાં એક દિવસ તેણીની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને ઉદ્યોગપતિને પોતાના ઘરે બોલાવ્યા હતા.

- text

બાદમાં રૂપના મોહપાશમાં ભીંજવી યુવતીએ પોતાની મરજીથી ઉદ્યોગપતિ સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ઉદ્યોગપતિની જાણ બહાર તેનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો યુવતીએ ઉદ્યોગપતિને મોકલીને વીડિયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરી અને બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ.૧ કરોડની માંગણી કરી હતી.

મોરબીના ઉદ્યોગપતિને ફસાવનારી આ યુવતી છેલ્લા ૧૫ દિવસથી ઉદ્યોગપતિને ધમકી આપી હેરાન પરેશાન કરતી હોય, અંતે ઉદ્યોગપતિ મહાશયે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

હાલમાં તો પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદના આધારે ગુન્હો નોંધી ત્વરિત કામગીરી કરી રૂપના કામણ પાથરનારી કાજલ હેમરાજ પરમાર, રે.ધ્રોલ જી.જામનગર હાલ, ઇન્દીરાનગર મોરબી અને તેના સાગરીત રમેશ તળશી દઢાણીયા, રે. રવાપર રોડ ગૌતમ સોસાયટી વાળાને ઝડપી લઈ કામલીલાની વિડીયો કલીપ કબ્જે કરી અગાઉ કોઈને ફસાવ્યા છે કે કેમ તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.

નોંધ : આ સમાચારમાં ફરિયાદી ઉદ્યોગપતિની ઓળખ છુપાવામાં આવી છે. કારણ કે મોરબી આવા ઘણા કિસ્સા બની રહ્યા છે. જેમાં સભ્ય સમાજના લોકોને આવી અનેક ગેંગો દ્વારા ટાર્ગેટ કરી તેમને બ્લૅકમેઇલ કરવામાં આવે છે. કારણ કે બ્લૅકમેઇલ કરતી ટોળકીને ખબર હોય છે થોડી ક્ષણોના આવેગ આવી ભૂલ કરનાર આબરૂ જવાની બીકે ફરિયાદ નહિ કરે અને ચુપચાપ પૈસા આપી દેશે. કારણ કે પોલીસ ફરિયાદ કરનારનું નામ મીડિયા આવતું હોવાથી મોટાભાગના આવા કિસ્સામાં ફરિયાદ કરવા ભોગ બનનાર આગળ આવતા નથી. ત્યારે મોરબી અપડેટ દ્વારા નવી પેહલ કરી આવા કિસ્સામાં ફરિયાદીનું નામ કે ઓળખ જાહેર નહિ કરવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે.

- text