મોરબીમાં ખાખીનો ખૌફ : એક બાજુ ફરજમાં રુકાવટ તો બીજી તરફ માર માર્યાની રાવ

- text


પાટીદાર આધેડને સામાન્ય બાબતે ચાર કલાક સુધી ઢોર માર માર્યાના આક્ષેપ : રવાપર રોડ ઉપર નડતર રૂપ બાઇક મામલે જાહેરમાં ધોકાવાળી બાદ પોલીસ મથકમાં ખાખી તૂટી પડી : વિડીયો વાઇરલ થતા ભોગ બનનારને સારવારમાં ખસેડયા

મોરબી : ગઈકાલે સાંજે મોરબીના રવાપર રોડ પર રસ્તામાં નડતર રૂપ બાઇક હટાવવા જેવી સામાન્ય બાબતમાં ચાર પોલીસમેન દ્વારા પાટીદાર આધેડને જાહેરમાં કમરપટ્ટા અને લાકડી વડે ઢોર માર મારતા ઝપાઝપીમાં પાટીદાર આધેડે પોલીસમેનને માથામાં પથ્થર ઝીકી દેતા ખાખીનો ખૌફ આગની માફક ભભૂકી ઉઠ્યો હતો અને આ આધેડને પોલીસ મથકે લઈ જઈ ચાર – ચાર કલાક સુધી ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જો કે મોડેથી આ મામલે સામ-સામી ફરિયાદ નોંધાઇ છે.

મોરબીમાં ખાખીના ખોફની ચોકવનારી ઘટનાની વિગત જોઈએ તો ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં શહેરના રવાપર રોડ પર રસ્તામાં પડેલા બાઇકને હટાવવા મુદ્દે લક્ષમણભાઈ ગોવિંદભાઇ દેત્રોજાને પોલીસ સાથે બોલાચાલી થતા મામલો બીચકયો હતો અને વાત વણસતા બાદમાં ફરજ પરના ચાર પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને હાથપાઈ થતા ચારેય પોલીસમેને સિંઘમ સ્ટાઇલમાં જાહેરમા જ પાટીદાર આધેડને માર મારવાનું શરૂ કર્યું હતું.

- text

આ મામલે બાદમાં પટેલ આધેડે પણ ઝપા ઝપીમાં પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઇ બોળાભાઇને માથામાં પથ્થર ફાટકારી દેતા રાજુભાઈને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનામાં અહીંથી નાટકીય વળાંક આવ્યો હતો અને ખાખી પટેલ આધેડ લક્ષમણભાઈને ઉપાડી લઈ પોલીસ મથકે લઈ ગયા હતા બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વિડીયો વાઇરલ થઈ જતા મોરબીમાં ભારે ચકચાર જાગી હતી અને આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી.

જો કે પોલીસે એ ડિવિઝન પોલીસ મથકમાં બેફામ બની આ આધેડ પર લાઠીઓ વરસાવી ઢોર માર માર્યો હોવાના આક્ષેપો અને વાઇરલ થયેલા વિડીઓ બાદ મોડી રાત્રે ગોંધી રાખેલા આધેડને સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી.

પટેલ આધેડને મોડી રાત્રે સિવિલ હોસ્પિટલ ખસેડાતા ત્યાં લોકોના ટોળા એકઠા થયા હતા અને પાસના આગેવાન મનોજ પનારા સહિતના આગેવાનોએ પોલીસની કાર્યવાહીને વખોડી કાઢી સમાપક્ષે લક્ષમણભાઈ દેત્રોજાએ અજાણ્યા પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હોસ્પિટલ બિછાનેથી લક્ષમણભાઈએ જણાવ્યું હતું કે સામાન્ય બાબતમાં મને ચાર કલાક ગોંધી રાખી પાણી પણ પીવા દેવાયું ન હતું અને છ – છ પોલીસવાળા નિર્દયી રીતે માર મારતા ખૂબ જ ઇજાઓ પહોંચી છે. હવે આ મામલે મોરબી જિલ્લા પોલીસવડા કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

- text