લોકશાહીના અવસર ચૂંટણીને દીપાવતું આદર્શ આચારસંહિતાનું આભૂષણ

- text


જાણો.. શું છે આચારસંહિતા? તેના ઈતિહાસ અને આઠ ભાગો વિષે સંપૂર્ણ વિગતો

મોરબી : આદર્શ આચાર સંહિતા કે મોડલ કોડ ઓફ કંડક્ટ (MCC) એ ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજનૈતિક પક્ષો અને ઉમેદવારો માટે જાહેર કરાયેલા દીશાનિર્દેશો છે. આદર્શ આચાર સંહિતામાં નક્કી કરાયેલા ધારાધોરણો અને સિદ્ધાંતો રાજકીય પક્ષોની સંમતીથી ઘડવામાં આવે છે તેમજ તેના પાલન માટે તેઓ સ્વૈચ્છિક રીતે તેઓ બંધાયેલા છે. રાજકીય પક્ષો આચાર સંહિતાને માન આપશે તેમજ તેમા જણાવેલ શબ્દો અને ભાવનાઓને અનુસરશે, તે માટે તેઓની બાંહેધરી હોય છે.

આચારસંહિતા ચૂંટણી જાહેર થાય ત્યારથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહે છે. ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં ચૂંટણી યોજાય અને ચૂંટણીની વિશ્વસનીયતા વધે તેમજ મતદારોનો વિશ્વાસ સંપાદિત થાય તેવા હેતુથી આચારસંહિતા ઘડવામાં આવી છે. આચારસંહિતાના અમલથી સરકારી તંત્ર અને સાધન સામગ્રીઓનો રાજનૈતિક દુરુપયોગ અટકે છે. લાંચ-રૂશ્વત, પ્રલોભન આપી કે ધાક-ધમકી આપી કે અન્ય કોઈ પણ રીતે પ્રચારમાં અને મતદાનમાં થતી ગેરરીતિઓ અટકાવી શકાય છે.


આચારસંહિતાનો ઈતિહાસ

કેરળમાં ૧૯૬૦ની સાલમાં રાજ્ય સરકારે તમામ રાજકીય પક્ષોને એકત્ર કરીને એક આદર્શ આચાર નિયમાવલીનો મુસદ્દો તે સમયની આવનાર વિધાનસભા ચૂંટણી માટે તૈયાર કર્યો હતો અને તેનું સર્વસંમતિથી પાલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૯૬૨ની સાલમાં ચૂંટણી સમયે ચૂંટણી પંચે આદર્શ આચાર નિયમો તમામ પક્ષોને સ્વયંભુ પાલન માટે મોકલ્યા હતા, જે પ્રયોગ સફળ રહ્યો હતો. પછીના દશકોમાં ચૂંટણી પંચનાં પ્રયત્નો અને વિવિધ સરકારો તથા રાજનૈતિક પક્ષોના સહકારથી આચારસંહિતાનું હાલનું પરિપક્વ સ્વરૂપ દેશને પ્રાપ્ત થયું છે.


આચારસંહિતાના આઠ ભાગો

આદર્શ આચારસંહિતા મુખ્ય આઠ ભાગોમાં વહેંચાયેલી છે. ૧.સામાન્ય વર્તણુંક, ૨.સભાઓ, ૩.સરઘસ, ૪.મતદાન દિવસ,૫.મતદાન મથક, ૬.નિરીક્ષકો, ૭. સત્તાધારી પક્ષ, ૮.ચૂંટણી ઢંઢેરો.


૧. સામાન્ય વર્તણુંક

કોઈપણ પક્ષ કે ઉમેદવાર એવી કોઈપણ પ્રવૃતિમાં સામેલ ન થાય કે જે વિવિધ જાતિઓ અને સમુદાયો, ધાર્મિક અથવા ભાષાકીય મતભેદોને વધારે અને તણાવ પેદા કરે, ઉમેદવારના અંગત જીવનના તમામ પાસાઓની ટીકા કરવાથી અન્ય પક્ષે દૂર રહેવું, મંદિર વગેરે શ્રદ્ધા સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે મંચ તરીકે ઉપયોગ ન કરવો, મતદારોને લાંચ આપવી કે તેમને ડરાવવા વગેરે કોઈ અનૈતિક કે ભ્રષ્ટ આચરણથી દુર રહેવું, શાંતિપૂર્ણ અને વ્યક્તિગત ગૃહજીવનનાં અધિકારને ધ્યાનમાં રાખીને વ્યક્તિના મંતવ્યો અથવા પ્રવૃત્તિઓનો વિરોધ કરવા ઉમેદવારના ઘર આગળ દેખાવો કે ધરણાંનું આયોજન કરવું નહીં, કોઈપણ રાજનૈતિક પક્ષ કે તેમના અનુયાયીઓને કોઈપણ માલિકીની કે જાહેર જગ્યાઓ પર મંજુરી વગર પોસ્ટર, નારાઓ કે પ્રચારાત્મક બેનર લગાવવા નહી, એક પક્ષ દ્વારા બીજા પક્ષ દ્વારા જ્યાં સભાઓ યોજવામાં આવે તે સ્થાનો પર સંઘર્ષ કે અવરોધ માટે પેમ્ફલેટ વિતરણ કે સરઘસ વગેરે પ્રવૃત્તિ કરવામાં આવશે નહીં, એક પક્ષ દ્વારા જારી કરાયેલા પોસ્ટરો બીજા પક્ષના કાર્યકરો દ્વારા દૂર કરવામાં આવશે નહીં, વગેરે બાબતોને આદર્શ આચાર સંહિતામાં સામાન્ય વર્તણુંક ભાગ અંતર્ગત સમાવવામાં આવી છે.


૨. સભાઓ

પક્ષ અથવા ઉમેદવારે આયોજિત સભાના સ્થળ અને સમયની સ્થાનિક પોલીસને સમયસર જાણ કરવી જેથી પોલીસ ટ્રાફિક અને સલામતીને લગતી જરૂરી વ્યવસ્થા કરી શકે, પક્ષ/ઉમેદવારે સભા માટે સૂચિત જગ્યાએ કોઈ પ્રતિબંધાત્મક અથવા નિષેધાત્મક આદેશ અમલમાં હોય તો અગાઉથી તેની ખાતરી કરી તેનું પાલન કરવું તેમજ જો આવા આદેશોમાંથી કોઈ મુક્તિની આવશ્યકતા હોય, તો તે માટે અરજી કરવી, ઉમેદવારે અગાઉથી સંબંધિત સત્તાધિકારીને અરજી કરીને સભા માટે લાઉડસ્પીકર અથવા અન્ય કોઈ સુવિધાના ઉપયોગ માટે વિસ્તારમાં લાગુ આદેશો અનુસાર પરવાનગી લેવી, આયોજકોએ સભામાં ખલેલ પાડતા અથવા અન્યથા અવ્યવસ્થા સર્જવાનો પ્રયાસ કરતી વ્યક્તિઓ માટે ફરજ પરના પોલીસની મદદ લેવી પરંતુ આયોજકો પોતે આ વ્યક્તિઓ સામે પગલાં લેશે નહીં, વગેરે બાબતોને આદર્શ આચાર સંહિતામાં સભાઓ ભાગ અંતર્ગત સમાવવામાં આવી છે.


૩. સરઘસ

- text

સરઘસ માટે સ્થળ સમય અને રૂટની પૂર્વમંજુરી લેવી તથા સરઘસ વખતે તેમાં ફેરફાર ન કરવો, વિસ્તારોમાં અમલી પ્રતિબંધોનું કાળજીપૂર્વક પાલન કરવું, ટ્રાફિકમાં કોઈ અવરોધ ન આવે તેવું આયોજન કરવું, ફરજ પરના પોલીસની દિશાનિર્દેશનું ચુસ્તપણે પાલન કરવું, જો બે અથવા વધુ રાજકીય પક્ષો અથવા ઉમેદવારો એક જ સમયે એક જ રૂટ પર સરઘસ કાઢવાનો પ્રસ્તાવ મૂકે, તો આયોજકોએ અગાઉથી સરઘસો અથડામણ ન થાય તે જોવું, પૂતળા દહન જેવા દેખાવો અસ્વીકાર્ય છે, વગેરે બાબતોને આદર્શ આચાર સંહિતામાં સરઘસ ભાગ અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવી છે.


૪. મતદાન દિવસ

તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત મતદાન સુનિશ્ચિત કરવા તેમજ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા ચૂંટણી ફરજ પરના અધિકારીઓ સાથે સહકાર આપવો, પક્ષના અધિકૃત કાર્યકર્તાઓએ પક્ષ દ્વારા અપાયેલ ઓળખ કાર્ડ રાખવું, મતદાન મથકની નજીક રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ઉભા કરાયેલા કેમ્પની નજીક બિનજરૂરી ભીડ એકઠી થવા દેવી નહીં તેમજ કોઈપણ પોસ્ટર, ધ્વજ, પ્રતીકો અથવા અન્ય કોઈપણ પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરવી નહીં અને કેમ્પમાં કોઈ ભોજન પીરસવવું નહીં, વગેરે બાબતોને આદર્શ આચાર સંહિતામાં મતદાન દિવસ ભાગ અંતર્ગત સમાવવામાં આવી છે.


૫. મતદાન મથક

આદર્શ આચાર સંહિતાના મતદાન મથક ભાગમાં જણાવાયું છે કે મતદારો સિવાય, ચૂંટણી પંચના માન્ય પાસ વિના કોઈ પણ મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં.


૬. નિરીક્ષકો

નિરીક્ષકોના ભાગમાં જણાવાયું છે કે, ચૂંટણી પંચ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે અને ઉમેદવારો અથવા તેમના એજન્ટોને ચૂંટણીના સંચાલન અંગે કોઈ ચોક્કસ ફરિયાદ અથવા સમસ્યા હોય તો તેઓ નિરીક્ષકના ધ્યાન પર લાવી શકશે.


૭. સત્તાધારી પક્ષ

સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સરકારી કામોના અમલ કે પ્રચાર, પ્રસાર તેમજ જાહેરાત પર સંપૂર્ણ રોક, ચૂંટણી હેતુ માટે સરકાર હસ્તકના વિશ્રામ ગૃહો, ડાગ બંગલાઓ અને સરકારી મકાનોનો રાજકીય ઉપયોગ પર પ્રતિબંધ, વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી મંજુર કરવા પર રોક, સરકારી અધિકારીઓની બદલી/બઢતી અને નવી નિમણૂંક પર રોક, કોઈપણ રૂપમાં કોઈપણ જાતની નાણાંકીય ગ્રાન્ટ અથવા વચનોની જાહેરાત પર રોક તેમજ કોઈપણ જાતની સરકારી પરિયોજના કે યોજનાનું ભૂમિપૂજન, ખાતમુહુર્ત કે લોકાર્પણ પર પ્રતિબંધ, વગેરે બાબતોનો આદર્શ આચાર સંહિતામાં સત્તાધારી પક્ષ ભાગ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે.


૮. ચૂંટણી ઢંઢેરો

ચૂંટણી ઢંઢેરા પર માર્ગદર્શિકા ભાગમાં ચૂંટણી ઢંઢેરા માટે ધ્યાનમાં રાખવાની બાબતોને વિસ્તૃતમાં સમજાવવામાં આવી છે. જેમ કે, બંધારણમાં સમાવિષ્ટ આદર્શો અને સિદ્ધાંતોથી વિપરીત કંઈપણ ચૂંટણી ઢંઢેરામાં હોવું જોઈએ નહીં, એવા વચનો આપવાનું ટાળવું જે ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતાને ખલેલ પહોંચાડે અથવા મતદારો પર અયોગ્ય પ્રભાવ પાડે, મતદારોનો વિશ્વાસ એવા વચનો પર જ મેળવવો જોઈએ જે પૂર્ણ કરી શકાય તેમજ તર્કસંમત હોય અને તે માટે નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવાનું આયોજન પણ સામેલ હોય.


સંપૂર્ણ આદર્શ આચાર સંહિતાને ચૂંટણી પંચની વેબસાઈટ https://hindi.eci.gov.in/mcc/ પર હિન્દીમાં વાંચી શકાશે.


- text