મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમ રવિવારથી ખાલી કરાશે, 34 ગામોને એલર્ટ કરાયા

- text


મોરબી અને આજુબાજુના ગામડાને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન : દૈનિક 100 એમએમએલડી પાણી કેનાલમાંથી ડેમમાં ઠાલવશે

મોરબી : મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમના પાંચ દરવાજા બદલવાની કામગીરીને કારણે સિંચાઈ વિભાગ દ્વારા આગામી તા.12ના રોજ રવિવારે સવારથી મચ્છુ-2 ડેમ ખાલી કરવામાં આવશે, જો કે, ભરઉનાળે પાણીની કટોકટી ન સર્જાય તે માટે સિંચાઈ વિભાગે મોરબી અને આજુબાજુના ગામડાઓ માટે ડેમમાં દૈનિક 100 એમએમએલડી પાણી કેનાલમાંથી મેળવી વિતરણ વ્યવસ્થાને જાળવી રાખવામાં આવશે

મોરબીના મહાકાય મચ્છુ-2 ડેમના 38 પૈકી 5 દરવાજા બદલાવ પડે તેમ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા આગામી તા.12ના રોજ સવારથી મચ્છુ-2 ડેમને ખાલી કરવા માટે 1000થી 1200 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવનાર હોય ગુરુવારે મચ્છુ નદીના પટ્ટમાં વસવાટ કરતા લોકોને સલામત જગ્યાએ ખસેડવા પોલીસની મદદથી કાર્યવાહી કરી મોરબી તાલુકાના 23 ગામ અને માળીયા તાલુકાના 11 ગામ મળી કુલ 34 ગામના લોકોને તા.12થી નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપી છે.

મોરબી મચ્છુ-2 ડેમ યોજનાના અધિકારી વિશાલ પટેલે જણાવ્યું હતું કે, મોરબીના મચ્છુ-2 ડેમના પાટિયા બદલવા માટે તા.12મીથી ડેમનું પાણી છોડ્યા બાદ મરામત કામગીરી હાથ ધરાશે જે આગામી એકથી દોઢ મહિનામાં પૂર્ણ કરાશે, વધુમાં આ સમયગાળામાં મોરબી તેમજ આજુબાજુના ગામોને દૈનિક 100 એમએલડી પાણી પૂરું પાડવા માટે નર્મદા કેનાલ મારફતે દૈનિક 100 એમેલડીની જરૂરત પૂર્ણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

મચ્છુ-૨ ડેમ અને મચ્છુ-3 ડેમની હેઠવાસમા આવતા મોરબી અને માળીયા(મી.) તાલુકાના નિચે મુજબના ગામોના લોકોને નદિના પટવિસ્તારમા તથા મોરબી શહેરમા મયુર બ્રીજ પાસેના બેઠા પુલ પરથી તેમજ નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે જાહેર ચેતવણી સંદેશ આપવામા આવ્યો છે. જેમાં મોરબી તાલુકાના (૧)જોધપર (૨)લીલાપર (૩)ભડીયાદ (૪)ટીંબડી (૫)ધરમપુર (૬)રવાપર (૭)અમરેલી (૮)વનાળિયા (૯)ગોર ખીજડીયા (૧૦)માનસર (૧૧)નવા સાદુળકા (૧૨)જુના સાદુળકા (૧૩)રવાપર (૧૪)ગુંગણ (૧૫)નારણકા (૧૬)બહાદુરગઢ (૧૭)નવા નાગડાવાસ (૧૮)જુના નાગડાવાસ (૧૯)સોખડા (૨૦)અમરનગર (૨૧) મોરબી (૨૨) રવાપર નદિ (૨૩) વજેપર તેમજ માળીયા તાલુકાના (૧) વીરવદરકા (૨)દેરાળા (૩)નવાગામ (૪)મેધપર (૫)હરીપર (૬)મહેન્‍દ્રગઢ (૭)ફતેપર (૮)સોનગઢ (૯)માળિંયા (મી) (૧૦) રાસંગપર (૧૧) ફાટસર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારના લોકોને વિસ્તાર ખાલી કરી સલામત જગ્યા ઉપર જતા રહેવા મોરબી પોલીસ સ્ટાફ દ્વારા સમજાવવામાં આવ્યા હતા.

- text

- text