રોજનું રોજ કરો અને જે વાંચો તે પરફેક્ટ વાંચો: નિર્મલ વિદ્યાલયના A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓએ આપી સફળતાની ચાવી

- text


દરરોજનું કામ દરરોજ કરવાનું અને પરફેક્ટ વાંચવાથી સફળતા મળી : વિદ્યાર્થી

મોરબી : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાએ રાજ્યભરમાં સૌથી વધુ પરિણામ હાંસલ કર્યું છે. મોરબી જિલ્લામાંથી કૂલ 30 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

મોરબીની નિર્મલ વિદ્યાલયના A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો સાથે મોરબી અપડેટે ખાસ વાતચીત કરી હતી અને તેમની આ સફળતાની કહાની જાણી હતી.99.99 PR પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનાર વિનય રાજેશભાઈ ભોજાણીએ કહ્યું કે, સતત તૈયારી કરી અને શિક્ષકે કહ્યું તેવી રીતે તૈયારી કરવાથી મને આ સફળતા મળી છે,”.

ગુજકેટમાં 99.99 PR અને વિજ્ઞાન પ્રવાહમાં 99.92 PR મેળવનાર યશરાજ કલ્પેશભાઈ પટેલે જણાવ્યું કે, અમને છેલ્લે સુધી શિક્ષકોને સાથ-સહકાર મળ્યો હતો. શિક્ષકોએ કહ્યું હતું કે, શાળામાં જે પેપર લેવાશે તેના કરતાં બોર્ડમાં સહેલા પેપર આવશે,”.

વિજ્ઞાન પ્રવાહમાં 99.97 PR મેળવનાર યશ દેવજીભાઈ ચીખલીયાએ કહ્યું કે, સતત મહેનત કરતાં રહ્યા, દરરોજનું વાંચન દરરોજ કરતાં રહ્યા. શાળામાં શિક્ષકો જે ભણાવે તેના પર ધ્યાન આપ્યું એટલે આ પરિણામ મળી શક્યું છે,”.

જયશ્વી બાબુલાલ શાહે મોરબી અપડેટને જણાવ્યું કે, મેં ગુજકેટમાં 99.99 PR અને વિજ્ઞાન પ્રવાહમાં 99.85 PR મેળવ્યા છે. તેણે કહ્યું કે, જે વાંચીએ તે પરફેક્ટ વાંચવુ અને દરરોજનું કામ દરરોજ કરવાથી સફળતા મળે છે,”.

99.64 PR મેળવનાર પ્રિશા રજનીશભાઈ ગોલે જણાવ્યું કે, મારે આગળ હવે ડોક્ટર બનવું છે, તેના માટે હું નીટની પણ તૈયારી કરી રહી છું.

99.85 PR મેળવનાર આયુષીએ કહ્યું કે, શિક્ષક ભણાવે તેમાં ધ્યાન આપી શોર્ટ નોટ બનાવી છેલ્લી ઘડીએ રિવિઝન કર્યું હતું.

- text

શિક્ષક દિનેશભાઈએ કહ્યું કે, મોરબી જિલ્લો વ્યવસાયની સાથે સાથે શિક્ષણમાં પણ અવ્વલ આવી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષના બોર્ડના પરિણામો અને એમાંય ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો ટોપ ઉપર આવતો જાય છે. આની પાછળ શિક્ષકો અને સંચાલકોની મહેનત રંગ લાવી છે. મોટા શહેરોને પાછળ છોડીને મોરબી આગળ આવ્યું છે. આ વર્ષે અમારી શાળામાંથી 40 જેટલા વિદ્યાર્થીઓ મેડિકલ ફિલ્ડમાં કેરિયર બનાવવા આગળ વધશે.

જ્યારે શાળા સંચાલક નિલેશભાઈ કુંડારિયાએ જણાવ્યું કે આ માત્ર અમારી મહેનતનું જ પરિણામ નથી પરંતુ અમારી મહેનત પર વાલીઓએ વિશ્વાસ મૂક્યો અને વિદ્યાર્થીઓ તે કેડી પર ચાલ્યા તેના કારણે આ પરિણામ મળ્યું છે. મોરબી માત્ર સિરામિક હબ નહીં પણ વિદ્યા મેળવવા માટેનું પણ હબ બને તે માટેનો સૌ શિક્ષકો અને સંચાલકોનો પ્રયત્ન છે.

- text