માળીયાના કુંભારીયા ગામે મકરસંક્રાંતે પતંગની બદલે ધોકા ઉડ્યા 

- text


સાઉન્ડ સિસ્ટમ ધીમે વગાડવાનું કહેતા ધોકાવાળી, બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી 

મોરબી : માળીયા તાલુકાના કુંભારીયા ગામે મકરસંક્રાંતના દિવસે સાઉન્ડ સિસ્ટમનો અવાજ ધીમો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ પતંગને બદલે સામસામે ધોકા ઉડતા મારામારીના આ બનાવમાં બન્ને પક્ષે ઈજાઓ પહોંચતા માળીયા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના કુંભારીયા ગામે રહેતા રણછોડભાઈ ઉર્ફે પ્રદીપભાઈ લખમણભાઈ બાબરીયા ઉ.62 નામના વૃદ્ધે આરોપી વિપુલભાઈ ભરતભાઈ બાબરીયા, ભરતભાઈ નાનજીભાઈ બાબરીયા, જયંતીભાઈ નાનજીભાઈ બાબરીયા તથા સંજયભાઈ નાનજીભાઈ બાબરીયા રહે-બધા કુંભારીયા ગામ વાળાઓ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યુ હતું કે, આરોપી વિપુલભાઈ ભરતભાઈને સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઘીમો કરવા બાબતે કહેતા આરોપીઓએ આ બાબતનો ખાર રાખી આરોપી પિતા-પુત્ર રણછોડભાઈના ઘર પાસે ગાળો બોલી બોલાચાલી ઝગડો કરવા આવતા રણછોડભાઇએ અને તેના ઘરે આવેલ મહેમાને ગાળો બોલવાની ના પાડતા આ કામના આરોપી વિપુલભાઈએ ઉશ્કેરાઈ જઈ રણછોડભાઈને ત્યાં આવેલ મહેમાન સિંકદરભાઈને તથા રણછોડભાઈને લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યા હતા. તેવામા આરોપી જયંતીભાઈ બાબરીયા તથા સંજયભાઈ બાબરીયા લાકડાના ધોકા લઈ આવી રણછોડભાઈ તથા સિકંદરભાઈને જેમ ફાવે તેમ માથાના ભાગે ધોકા મારી માથાના ભાગે ટાંકા જેવી ઈજાઓ પહોંચાડી આરોપી પિતા-પુત્રએ જતા જતા રણછોડભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે રણછોડભાઈની ફરિયાદને આધારે આરોપી વિપુલ ભરતભાઈ બાબરીયાની અટક કરી આગળની તપાસ શરૂ કરી છે.

- text

બીજી તરફ સામાપક્ષે કુંભારીયા ગામે રહેતા ભરતભાઈ નાનજીભાઈ બાબરીયા ઉ.42એ આરોપી પ્રદિપ લખમણભાઈ બાબરીયા, રવિભાઈ પ્રદિપભાઈ બાબરીયા, વિક્રમભાઈ પ્રેમજીભાઈ પંચાસરા રહે-બધા કુંભારીયા તથા સિંકદરભાઈ રહે.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યુ કે ભરતભાઇના દીકરા વિપુલભાઈને આરોપી પ્રદીપભાઈએ સાઉન્ડ સિસ્ટમ બંધ કરવા બાબતે કહેતા ભરતભાઇના દીકરા વિપુલ સાથે પ્રદીપભાઈને સામાન્ય બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખી આરોપી પ્રદીપભાઈ તથા સિકંદરભાઈ લાકડાના ધોકા લઈ આવી ભરતભાઈ તથા વિપુલભાઈને ગાળો બોલી બોલાચાલી ઝગડો કરવા લાગતા ભરતભાઈએ તેમજ તેના દીકરા વિપુલભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈ ભરતભાઈને તથા તેમના દીકરાને તેમજ તેમના ભાઈ જયંતીભાઈને લાકડાના ધોકા વડે માથામાં અને શરીરે મૂંઢ ઈજાઓ પહોંચાડી ભરતભાઈ તથા વિપુલને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા બનાવ મામલે માળીયા પોલીસે બંને પક્ષ ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

- text