મોરબીમાં પતંગની દોરીએ 117 પક્ષીઓ અને 6 માનવને ઘાયલ કર્યા : 7 પારેવાના મોત

- text


કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને વનવિભાગ દ્વારા ઉભા કરાયેલા કેમ્પના ઘાયલ પક્ષીઓને બચાવવા સ્વયંસેવકો દોડતા રહ્યા

મોરબી : મકરસંક્રાંતિએ આકાશની ઉંચાઈ માપવા અને એક બીજાની પતંગ કાપવાની લ્હાયમા ગઈકાલે મોરબી શહેર અને જિલ્લામાં 117 પક્ષીઓની પાંખો કપાવાની સાથે છ માનવ જિંદગીઓ ઘાયલ થયાનું સામે આવ્યું છે, જો કરુણા અભિયાન થકી અબોલ જીવને બચાવવા વનવિભાગ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર મેદાને આવ્યું હોય 117 પૈકી 110 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે 7 પક્ષીઓ અકાળે ઘાતક દોરાનો ભોગ બનતા જિંદગી ઉપર પૂર્ણવિરામ આવ્યું હતું.

ઉત્તરાયણ પર્વ પૂર્વે અબોલજીવોની કાળજી માટે સવારે તેમજ સાંજના સંધ્યાકાળે લોકોને પતંગ નહિ ચગાવવા અનેક અપીલ કરવામાં આવી હોવા છતાં મોરબી શહેર જિલ્લામાં ગઈકાલે કાતિલ દોરા અને પતંગને ઝપટે ચડી જતા 117 જેટલા આકાશે ઉડતા પંખીઓની પાંખો કપાઈ હતી. મોરબી ખાતે રાઉન્ડ ધ કલોક પક્ષી બચાવવા કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્રના વિશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન ગઈકાલે કર્તવ્ય જીવદયા કેન્દ્રના વિવિધ સ્ટોલમા 2 હોલા અને 113 જેટલા પારેવા એટલે કે, કબૂતર પતંગની કાતિલ દોરીની ઝપટે ચડી જતા ઘાયલ અવસ્થામાં કેન્દ્ર ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા જે પૈકી 7 પક્ષીઓના મૃત્યુ નિપજ્યા હતા.

બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વનવિભાગ અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કરુણા અભિયાન કાર્યરત રાખવામા આવ્યું હતું જેમાં સમગ્ર જિલ્લામાંથી માત્ર બે જ ઘાયલ પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું ડો.ફળદુએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, મકરસંક્રાંતિએ ગઈકાલે એક જ દિવસમાં મોરબીના છ લોકો પતંગના ઘાતક દોરાની ઝપટે ચડી જતા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી પાંચ લોકોને સારવાર આપી રજા આપવામાં આવી હતી જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે દાખલ કરવા પડ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text

- text