પહેલી વખત કોઈ ભારતીયને સેનાની કમાન સોંપવામાં આવ્યા હોવાની યાદમાં ઉજવાય છે ભારતીય સેના દિવસ

- text


દેશની સુરક્ષા માટે બલિદાન આપ્યું હોય, તેવા બહાદુર સૈનિકોને સલામ કરવાનો દિવસ

મોરબી : ભારત દર વર્ષે તા. 15 જાન્યુઆરીને સેના દિવસ તરીકે ઊજવે છે. ભારતમાં આ દિવસની ઊજવણી પાછળ પણ ખાસ કારણ છે. આ દિવસ ભારતના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક યાદ અપાવે છે. તા. 15 જાન્યુઆરી, 1949ના રોજ લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસનમાં પહેલી વખત કોઈ ભારતીયને ભારતીય સેનાની કમાન સોંપવામાં આવી હતી. એટલે કે કમાન્ડર-ઈન-ચીફનું પદ પહેલી વખત ભારતીય અધિકારીને મળ્યું હતું.

ભારતીય સેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પાએ (તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ) ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના માનમાં દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં તેમજ તમામ મુખ્યાલયમાં પરેડ અને અન્ય લશ્કરી પ્રદર્શનોના રૂપમાં ઉજવવામાં આવે છે. સેના દિવસ એ બહાદુર સૈનિકો જેમણે દેશ અને તેના નાગરિકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેમને સલામ કરવાનો દિવસ છે.

- text

કમાન્ડર-ઈન-ચીફ ત્રણે સેનાના પ્રમુખને કહેવામાં આવે છે. ફીલ્ડ માર્શલ કે. એમ. કરિયપ્પાએ પહેલા કમાન્ડર-ઈન-ચીફનો પદભાર ગ્રહણ કર્યો હતો. આ દિવસ ભારતીય સૈનિકોની ઉપલબ્ધિ, દેશ સેવા, અપ્રતિમ યોગદાન અને ત્યાગને સમ્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. હાલ ભારતમાં કમાન્ડર-ઈન-ચીફ ભારતના રાષ્ટ્રપતિ છે, જે ત્રણે સેનાના પ્રમુખ છે.

આ દિવસની દેશભરમાં ઉજવણી થાય છે. મુખ્ય આર્મી ડે પરેડ દિલ્હી કેન્ટોનમેન્ટના કરિઅપ્પા પરેડ મેદાનમાં યોજવામાં આવે છે. આ દિવસે વીરતા પુરસ્કારો અને સેના મેડલ પણ એનાયત કરવામાં આવે છે. પરમવીર ચક્ર અને અશોક ચક્ર પુરસ્કાર વિજેતાઓ દર વર્ષે આર્મી ડે પરેડમાં ભાગ લે છે. લશ્કરી આયુધો, અસંખ્ય ટુકડીઓ અને લડાયક પ્રદર્શન પરેડનો ભાગ છે. વર્ષ 2020માં, કેપ્ટન તાનિયા શેરગિલ આર્મી ડે પરેડની કમાન સંભાળનારા પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા.

- text