શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ એવા ગુરુ નાનક દેવજીની આજે જન્મજયંતી

નાનકે પિતાએ આપેલા વીસ રૂપિયાથી સાધુઓને ભોજન  કરાવ્યું, જે પ્રસંગ સરચા સૌદા તરીકે જાણીતો છે

મોરબી : ગુરુ નાનક જયંતિ એ શીખ સમુદાયના લોકોનો મહત્વપૂર્ણ તહેવાર છે. કહેવાય છે કે ગુરુ નાનકજીનો જન્મ કારતક માસમાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ વર્ષે કાર્તિક પૂર્ણિમા 27 નવેમ્બરે છે. તેથી શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ આજે ઉજવાશે. ગુરુ નાનક દેવની જન્મજયંતિ ગુરુ પર્વ અને પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શીખ લોકો ગુરુદ્વારા જાય છે અને ગુરુ ગ્રંથ સાહેબનો પાઠ કરે છે. ગુરુ પર્વ પર તમામ ગુરુદ્વારાઓમાં ભજન અને કીર્તન કરવામાં આવે છે અને પ્રભાત ફેરી પણ કાઢવામાં આવે છે.

ગુરુ નાનકજીનો જન્મ

કારતક સુદ પૂનમ સંવત 1526, ઇ.સ. 1469, 15 નવેમ્બરના દિવસે હાલ પાકિસ્તાનમાં છે, તે તલવંડી ગામમાં નાનકનો જન્મ થયો હતો. આજે એ ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે. પિતાનું નામ કલ્યાણદાસ ખત્રી, જે બેદી કુળના હતા. માતા ત્રિપ્તાદેવી અને એક મોટી બહેન હતી નાનકી. નાનકનો જન્મ થતાં દાયણ દૌલતાં આનંદવિભોર થઇ ગઇ. કલ્યાણદાસને વધાઇ આપતાં બોલી, ‘તમારે ત્યાં કોઇ અવતારી પુરુષનો જન્મ થયો છે. હું તો તેનાં દર્શનથી જ નિહાલ થઇ ગઇ.’ ચારે તરફ આનંદ છવાઇ ગયો.

સરચા સૌદા

એકવાર પિતાએ નાનકને વીસ રૂપિયા આપ્યા અને કહ્યું કોઇ લાભનો સોદો કરી આવો. નાનક પોતાના મિત્ર બાલાને લઇને નીકળ્યા. કેટલાક ગાઉ ચાલ્યા તો સાધુઓની એક મંડળી મળી, જે ત્રણ-ચાર દિવસથી ભૂખ્યા હતા. નાનકે વીસ રૂપિયાની ભોજન સામગ્રી લાવીને ભૂખ્યા સાધુઓને ભોજન કરાવી તેમનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

આ પ્રસંગને સરચા સૌદા કહેવામાં આવે છે. આજે ત્યાં વિશાળ ગુરુદ્વારા છે. નાનક ઘરે ગયા તો પિતાએ હકીકત જાણી અને ક્રોધથી પુત્રને લાફો માર્યો. બહેન નાનકી ખૂબ વ્યથિત થઇ અને ચૌધરી રાયબુલારે પણ કલ્યાણદાસને કહ્યું, “તારું જે નુકસાન થાય તે મારી પાસેથી લેજે પણ અલ્લાહના નૂર આ નાનક પર ક્રોધ ન કરીશ.”

શીખ ધર્મની સ્થાપના

ગુરુ નાનકજીએ શીખ ધર્મનો પાયો નાખ્યો હતો. તેથી, તેમને શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. નાનકજીએ જ પવિત્ર શબ્દો ‘ઈક ઓમકાર’ લખ્યા હતા. શીખો માટે આ ગુરુવાણીનું ઘણું મહત્વ છે. આ તહેવારના બે દિવસ પહેલા ગુરુદ્વારાઓમાં અખંડ પાઠ અથવા ગુરુ ગ્રંથ સાહેબનું 48 કલાક નોન-સ્ટોપ પઠન કરવામાં આવે છે. ગુરુ નાનક જયંતિના એક દિવસ પહેલા નગર કીર્તનનું આયોજન કરવામાં આવે છે, જ્યાં ભક્તો વહેલી સવારે સરઘસ કાઢે છે.