પહેલું પહેલું મંગળિયું વરતાય રે : આજે ઘરે-ઘરે તુલસી અને શાલિગ્રામના વિવાહનો પ્રસંગ

- text


પતિ જલંધરના મોતથી દુઃખી વૃંદાએ શ્રી વિષ્ણુને આપેલો શ્રાપ બન્યો તુલસી વિવાહનું કારણ

મોરબી : ગુજરાતી પંચાંગ પ્રમાણે દર વર્ષે તુલસી વિવાહ કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ આવે છે. આ દિવસને દેવઊઠી એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહ આજે 23 નવેમ્બરને ગુરુવારના દિવસે છે. આ દિવસે દેવી તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે. જેમાં તુલસીના છોડને વિષ્ણુ ભગવાનના પત્ની તુલસીના રૂપમાં સ્થાપિત કરીને તેમના વિવાહ સંપન્ન કરાવવામાં આવે છે.

હિંદૂ ધર્મમાં આ પર્વ ધાર્મિક રીત રિવાજની સાથે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. શાલિગ્રામની મૂર્તિને સ્વયં પ્રગટ એટલે કે સ્વયં પ્રગટ મૂર્તિ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યાં ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં ભગવાન વિષ્ણુની સાથે મહાલક્ષ્મીનો પણ વાસ છે. તુલસી વિવાહ કરવાથી પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે. આજે ઘરે-ઘરે તુલસી અને શાલિગ્રામના વિવાહના પ્રસંગની ઉજવણી થશે. કહેવાય છે કે આ લગ્ન કરાવવાથી જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય કન્યા દાન કરવાથી મળે છે.

તુલસી વિવાહની કથા

પૌરાણિક કથા અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજેય બની ગયો. તમામ દેવતા તેનાથી ત્રાસી ગયા. એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. મહાદેવ શિવે તેની સાથે યુદ્ધ કર્યુ. જેમાં તેઓ હારી ગયા.

- text

દેવતાઓ દુ:ખી થઈને શ્રી વિષ્ણુની શરણમાં પહોંચ્યા. શ્રી વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રુપ ધારણ કરી લીધુ. ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યો. ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી.

પતિના મોતથી દુ:ખી વૃંદાએ વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાને એક શાલિગ્રામ સ્વરુપમાં પ્રગટ કર્યું. વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરુપ વિષ્ણુનો વિવાહ તુલસી સાથે કરાવ્યો.

ભગવાન વિષ્ણુએ વૃંદાને વરદાન આપ્યું હતું કે, ‘આવતા જન્મમાં તમે એક છોડ સ્વરુપે પ્રગટ થશો. જેનું નામ હશે તુલસી. આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું.’ તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે.

- text