ગુજરાતી કક્કા ઉપર ભારે પડી રહી છે અંગ્રેજીની એબીસીડી !

- text


રાજ્યમાં ગુજરાતી માધ્યમની શાળાઓની તુલનાએ અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવા અરજીઓ વધી 

મોરબી : દેશના વડાપ્રધાન પદે ગુજરાતી નેતા બિરાજમાન છે તેવા સમયે રાજ્યમાં ગુજરાત રાજ્યમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની સ્કૂલો વચ્ચેની ચડાસાચડસીમાં અંગ્રેજી માધ્યમ બાજી મારતું દેખાઈ રહ્યું છે. લોકોને હાલમાં કક્કા કરતાં અંગ્રેજી મૂળાક્ષરોની એબીસીડી સરળ લાગી રહી છે. શિક્ષણ વિભાગના ડેટા અનુસાર, 2019થી 2022માં ગુજરાતી માધ્યમની નવી શાળાઓ શરૂ કરવાની પરવાનગી માગતી 224 અરજીઓ આવી હતી જ્યારે અંગ્રેજી માધ્યમની સ્કૂલો માટે આવેલી અરજીઓની સંખ્યા 276 હતી. એટલે કે, ગુજરાતી માધ્યમ કરતાં 23 ટકા વધારે છે આ સંજોગોમાં ગુજરાતી કક્કા ઉપર અંગ્રેજીની એબીસીડી ભારે પડી રહી હોવાનો સિનારિયો જોવા મળી રહ્યો છે.

આઇએમ ગુજરાતના રિપોર્ટ મુજબ સૂચનાની ભાષા તરીકે અંગ્રેજીનો અસામાન્ય વપરાશ વધ્યો છે. ગામડાઓ અને નાના શહેરોમાં એવો દ્રષ્ટિકોણ પ્રવર્તી રહ્યો છે કે, અંગ્રેજીમાં નિપુણ હશો તો દુનિયામાં તમારું મૂલ્ય ઊંચું આંકવામાં આવશે અને સમૃદ્ધ બનશો. નાના શહેરોમાં રહેતા મા-બાપનું સપનું હોય છે કે, તેમના સંતાનોને પણ સારી નોકરી મેળવવાની તક મળે અને એટલે જ અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધી રહ્યો છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ના અધિકારીઓનું કહેવું છે કે, 2012 સુધી નવી ગુજરાતી માધ્યમની સ્કૂલો અને નવી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો વચ્ચેનો ગુણોત્તર 70:30નો હતો.બોર્ડના સિનિયર સભ્યએ ઉમેર્યું કે, પછીથી અંગ્રેજી મીડિયમની સ્કૂલોની સંખ્યા વધી રહી છે. 2019માં નવી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો માટે 84 અરજીઓ આવી હતી જ્યારે ગુજરાતી માધ્યમ માટે 61 અરજીઓ આવી હતી. છેલ્લા દશકામાં વાલીઓનો ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમોની સ્કૂલોમાં વિશ્વાસ વધતો જોયો છે. જોકે, હવે તાલુકા સ્તરે પણ અંગ્રેજી માધ્યમની કેટલીય સ્કૂલો ખુલી છે.

- text

ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ્ડ સ્કૂલ્સ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ ભરત ગાજીપારાએ જણાવ્યું કે, વધતી માગના કારણે આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બિનશહેરી વિસ્તારોમાં કોઈ પ્રાથમિક કે માધ્યમિક સ્કૂલોમાં ભણવા માટે 5 કિલોમીટરથી વધુ દૂરના વિસ્તારમાં જશે તેવી કલ્પના કરવી પણ અગાઉ મુશ્કેલ લાગતી હતી. પરંતુ હવે નવી ખુલેલી અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં 10 કિલોમીટર દૂરથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે. વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલ બસ કે વૅનમાં શાળાએ મોકલી રહ્યા છે.

ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો હોય તો ઉત્તમ યુનિવર્સિટીઓ અને કોર્સમાં એડમિશન મળે અને ઊંચા પગારની નોકરી મળી શકે છે તેવી માન્યતા હાલમાં પ્રવર્તે છે. ઉપરાંત આજના નવા વાલીઓ માટે બાળકોને શ્રેષ્ઠ સ્કૂલો અને અંગ્રેજી મીડિયમમાં ભણાવવા તે સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. આ વાલીઓનો નિર્ણય છે પરંતુ તેમણે સિક્કાની બીજી બાજુ પર પણ ધ્યાન આપવું જોઈએ”, તેમ પ્રોગ્રેસિવ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ અર્ચિત ભટ્ટે જણાવ્યું.ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડના સભ્ય પ્રિયવદન કોટકનું કહેવું છે કે, આ ટ્રેન્ડ વિવિધ પરિબળો આધારિત છે અને તેને એ જ રીતે જોવો જોઈએ. આકાંક્ષાઓ પરિવર્તનને દોરી રહી છે અને આગામી થોડા વર્ષો સુધી આ ટ્રેન્ડ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text