મોરબી પાલિકાની ચૂંટણી સંદર્ભે આપના આગેવાનો સાથે ઈશુદાનની સમીક્ષા બેઠક

- text


નવલખી ઓવરબ્રીજમાંથી પોપડા ખરવાની ઘટનાને લઈને સરકાર ઉપર કર્યા પ્રહાર, સરકાર બદલશે એટલે આવા બ્રિજ બનાવનારાઓને જેલભેગા કરવાની તીખી પ્રતિક્રિયા 

મોરબી : મોરબી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ત્યારબાદ ઈશુદાન ગઢવીએ નવલખી ઓવરબ્રીજમાંથી પોપડા ખરવાની ઘટનાને લઈને સરકાર ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા.

આમ આદમી પાર્ટી રાજ્યની તમામ નગરપાલિકાઓની ચૂંટણી ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવા તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે આપના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી ખાસ એક એક નગરની મુલાકાત લઈ ત્યાંની સ્થિતિ અંગેનો તાગ મેળવી તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. જે અંતર્ગત ઈશુદાન ગઢવી હળવદ બાદ મોરબીની મુલાકાતે આવ્યા હતા.

અહીં તેઓએ રવાપર કેનાલ રોડ ઉપર આવેલ ઓમ શિવ હોલ ખાતે આપના આગેવાનો સાથે મોરબી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, પ્રભારી પંકજભાઈ રાણસરિયા, હિતેશભાઈ ભટ્ટ, સંજયભાઈ ભટ્ટાસણા, ભરતભાઈ, ગોકળભાઈ, ભાવિનભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ નવલખી બ્રિજ ખાતે પોપડા પડવાની ઘટનાને લઈને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું કે આ સરકારનું નામ ભ્રષ્ટાચાર બાબતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. તેઓએ ઉમેર્યું કે જ્યારે સરકાર બદલશે ત્યારે આવા બ્રિજ બનાવનારાઓને જેલ ભેગા કરી વ્યવસ્થિત રીતે તેઓની સારવાર કરાશે.

- text

- text