બાળમજૂરી અટકાવી દેશનું ભવિષ્ય ખંડિત થતું બચાવવું જરૂરી : ડો. દેવેન રબારી

- text


દરેક બાળક શાળાએ જતું થશે ત્યારે જ બાળ મજૂર વિરોધી દિવસની ઉજવણી સાર્થક બનશે

મોરબી : આદિકાળથી બાળકોને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ વર્તમાનનું ચિત્ર આ વિચારોથી તદ્દન વિપરિત છે. બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ગરીબ બાળકો શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉંમરમાં મજૂરી કરી રહ્યા છે. ચગદાતા, ચીમળાતા, હીઝરાતા હતાશ કુમળા બાળકો રસ્તા પર, બજારમાં, ખેરતરોમાં, કારખાનાંઓમાં ઠેર ઠેર નજરે ચડે છે. ત્યારે આપણાં સમાજની દુર્દશાનો સાચો ખ્યાલ આવે છે. ખરેખર રાષ્ટ્રની મહામૂલી સંપત્તિ વેડફાતી જાય છે, પણ આપણને કોઈને એની પડી નથી. આ સંજોગોમાં મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેન રબારીએ બાળ મજૂરી અટકાવવાની તમામ દેશવાસીઓની ફરજ હોવા ઉપર ભાર મુક્યો છે.

સામાજિક ઉત્થાન માટે સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ બાળમજૂરી વિશે ઊંડું ચિંતન મનન કરતા કહ્યું હતું કે, જીવનનો મહામૂલો તબક્કો બાળપણ, પરંતુ કરોડો બાળકોની જિંદગીમાંથી તેનો છેદ ઊડી જતો હોય છે. બાળક તેના કુદરતી અધિકારોથી વંચિત રહી જાય અને આજ કારણ તેની જિંદગીને દારુણતમ્ બનાવી મૂકે છે.છેલ્લા બે અઢી દાયકાથી બાળમજૂરીનો પ્રશ્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ચર્ચાતો થયો છે પરંતુ નક્કર પરિણામ માટે ફળદાયી પ્રયાસોનો અભાવ વર્તાય છે. બાળમજૂરીને વહેલી તકે દૂર કરવા કોઈ સંપૂર્ણ સંકલિત ખ્યાલ ઊભો થયો નથી કે આવશ્યક વલણો જોવા મળ્યા નથી. સમાજમાં બાળમજૂરો પ્રત્યેની અનુકંપા દેખાતી નથી અને તેને કારણે જ કાયદાઓનું પણ અસરકારક અમલીકરણ જોવા મળતું નથી. છેલ્લા કેટલાય વર્ષોથી ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર બાળકોના ઉત્થાન માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છે, જેનાથી બાળકોના જીવન તેમજ તેમના શિક્ષણમાં સકારાત્મક અસર જોવા મળે. શિક્ષણનો અધિકાર પણ બાળમજૂરી નાબૂદ કરવાની દિશામાં પ્રશંસનીય કાર્ય છે. તેમછતાં હજુ પણ બાળમજૂરીની સમસ્યા એક વિકટ સમસ્યા તરીકે તેમના બાળપણને નષ્ટ કરી રહી છે.બાળકોને બાળપણ દરમિયાન રમવા માટેની મોકળાશ અને ભણવા માટેની પૂરતી તક આપવાની જવાબદારી સરકારની તથા સમાજની પણ છે. બાળકના સહજ વિકાસને અટકાવનાર અને શોષણ કરનાર બાળમજૂર પ્રથા કલંક તથા અભિશાપ સમાન છે. જેને નાબૂદ કરવા કાયદા ઉપરાંત સમાજના સહકાર તથા લોકજાગૃતિની તાતી જરૂર છે.

- text

ભણવા – રમવાની ઉંમરે બાળક મજૂરી કરે, અભણ રહી જાય અને પછી તેના બાળકની હાલત પણ તેના જેવી જ થાય. આ બાળમજૂર ભવિષ્‍યમાં અભણ મતદાર તથા નિષ્‍ક્રીય – અજાગૃત નાગરીક બને. પરીણામે કુટુંબ, ગામ, સમાજ તથા દેશ બરબાદ થાય. વળી બાળમજૂરીને કારણે બાળકને નિશાળની તક ન મળે. પતંગ ચગાવવાની વયે તે પતંગ બનાવતો હોય છે. ફટાકડા ફોડવાની વયે તે ફટાકડા બનાવતો હોય છે. આમ સતત શોષણ, તણાવ અને હાડમારીમાં જીવતો બાળક દુઃખ ભૂલવા ખોટા માર્ગે ચડી વ્‍યસનોનો શિકાર થઈને ગુનાખોરી તરફ પણ ધકેલાઈ જાય છે. વાસ્‍તવમાં દરેક બાળકને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ઉતમ બાળપણ મળવું જોઈએ તેવી ભારતના બંધારણમાં જોગવાઈ છે.

બાળમજૂરોની તસવીરો અને માનવીય સંવેદનાના સ્તર પરની વાર્તાઓ અખબારમાં પ્રકાશિત થયા કરે છે. પરંતુ બાળમજૂરોની સંખ્યા અને સ્થિતિનો સર્વાંગી અભ્યાસ કે વિગતે સંશોધનો થયા નથી તે થવા જોઈએ. જે બાળમજૂરી નાબૂદી માટે સંશોધન પુરાવાઓની તાતી જરૂરિયાત હોય છે.બાળમજૂરી નાબૂદી અંગે મજૂરપંચે નિમેલ અભ્યાસુ જૂથના સૂર એવો હતો કે બાળમજૂરને શોષણ સામે રક્ષણ આપવા માત્રનું જ વિચારવાનું નથી, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની ખાતરી બંધાવવાના વલણથી વિચારવુ જોઈએ.બાળમજૂરી દૂર કરવા વિષચક્રમાં ફસાયેલા ગરીબ-પછાત લોકોને ઉગારવા પડશે.

સાથે સાથે વ્યાપક લોકો શિક્ષણ પણ એટલું જ જરૂરી બની જાય છે.બાળક સંપૂર્ણ, સંવેદનાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક પરિપકવતા અને સ્થિરતા પ્રાપ્ત કરી શકે. જીવનમાં સમજદારી, આત્મવિશ્વાસ અને સ્વમાન જાગે અને જળવાઈ રહે. જીવન માટે સમતોલ દ્રષ્ટિ કેળવાઈ તથા રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયામાં તેની શું ભૂમિકા છે તે પણ સમજી શકે એવો નાગરિક બને એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી આવશ્યક છે. આ કાર્ય પડકારરૂપ છે જેને આપણે ઉકેલવાની છે અને આપણે ઉકેલી શકીએ એમ છીએ. જરૂર છે માત્ર આપણી સંવેદના અને સક્રિયતાની…

બધા એ આ લડાઈમાં જોડાવું પડશે… આપણે જ્યાં છીએ ત્યાં આપણી આસપાસ તો આપણાથી બનતું કરીએ… આપણે સંકલ્પ કરીયે કે બાળ મંજૂરી અટકાવીએ .. દેશ બચાવીએ .. તેવી તેમણે હાકલ કરી હતી.

- text