મોરબી-હળવદ અને મોરબી- જેતપર તેમજ ઔદ્યોગિક વિસ્તારના 17 રોડના કામ શરૂ

- text


રૂ. 381 કરોડથી વધુ ખર્ચે રોડના કામ શરૂ થતાં ભાજપ દ્વારા યોજાયો શુભારંભ સમારોહ : સાંસદ અને ધારાસભ્યો સાથે મોટી સંખ્યામાં આગેવાનોની ઉપસ્થિતિ

મોરબી : મોરબી-હળવદ અને મોરબી- જેતપર તેમજ ઔદ્યોગિક વિસ્તારના 17 રોડના કામ શરૂ થયા છે. આ કામના શુભારંભ પ્રસંગે ભાજપ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદ અને ધારાસભ્યો સાથે મોટી સંખ્યામાં આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.

અગાઉ વડાપ્રધાનના હસ્તે એક કાર્યક્રમમાં મોરબી જિલ્લાના રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ભાજપ દ્વારા આ રોડના શુભારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસે એવા આક્ષેપ કર્યા હતા કે એક જ રોડના કામના બે વખત ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. જેના જવાબમાં કાર્યક્રમમાં હાજર નેતાઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ તો ભાજપ પાર્ટીનો છે. કોઈ સરકારી કાર્યક્રમ નથી. લોકો સુધી કામ શરૂ થયાનો સંદેશ પહોંચે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાથે આ કાર્યક્રમમાં તમામ આગેવાનોને જોડવામાં આવ્યા છે. જેથી તેઓ પ્રશ્નોની અહીં રજૂઆતો કરી શકે અને તે પ્રશ્નો ઉપર સુધી પહોંચાડી તેનું સમાધાન નીકળી શકે.

ભાજપના નેતાઓના જણાવ્યા મુજબ રૂ. 190 કરોડના ખર્ચે મોરબી – હળવદ હાઇવે, 141 કરોડના ખર્ચે મોરબી – જેતપર હાઇવે અને 50 કરોડના ખર્ચે મોરબી ઔદ્યોગિક વિસ્તારના 17 જેટલા રોડ જનભાગીદારીથી બનાવવાના કામનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જીતુભાઇ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા મહામંત્રી જયુભા જાડેજા, કે.એસ. અમૃતિયા, નિર્મલભાઈ જારીયા, રિશીપ કૈલા, ભાવેશ કંજારીયા, દેવભાઈ અવાડિયા સહિતના પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, સિરામિક એસો. ના પ્રમુખો મુકેશભાઈ કુંડારિયા, હરેશ બોપલીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, પૂર્વ પ્રમુખ નિલેશ જેતપરિયા, ભાજપ અગ્રણી ગોપાલભાઈ સરડવા તેમજ અન્ય ભાજપના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

આ રોડની બન્ને બાજુ તથા અન્ય જગ્યાઓએ એક લાખ વૃક્ષો વાવવાનું મારું સ્વપ્ન : કાંતિલાલ

મોરબી- માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે આ રોડનું કામ દોઢ વર્ષમાં થઈ જશે. ભાજપના કાર્યકરો રોડની બન્ને બાજુ વૃક્ષ વાવશે સાથે ઔદ્યોગિક વિસ્તારોમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવશે. કુલ એક લાખ વૃક્ષ વાવવાનું મારું સ્વપ્ન છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે કોંગ્રેસને માત્રને માત્ર આક્ષેપ કરતા જ આવડે છે. આ ભાજપનો કાર્યક્રમ છે. કાર્યક્રરો પ્રશ્નો જણાવે જે સરકાર સુધી પહોંચાડી શકીએ અને લોકોને ખબર પડે કે આ કામ શરૂ થઈ ગયું એટલે અમે આ કાર્યક્રમ યોજ્યો છે.

- text

રોડના કામ શરૂ થયા તેનો સંદેશ લોકો સુધી પહોંચે એટલે આ કાર્યક્રમ યોજયો : સાંસદ વિનોદ ચાવડા

સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે અગાઉ વડાપ્રધાને સામુહિક કાર્યક્રમમાં આ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. પણ ત્યારબાદ જરૂરી ખાતાકીય કાર્યવાહી ચાલી રહી હોય જે પૂર્ણ થતાં હવે રોડનું કામ શરૂ થયું છે. વિપક્ષ છે તે આક્ષેપ કરવાનું જ છે. આ કામનો લોકો સુધી સંદેશ પહોંચે એટલે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં તમામ ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ પધાર્યા છે.

ક્યાંય પણ કામ નબળું દેખાય તો તુરંત અમને જાણ કરો : જીતુભાઇ સોમાણી

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ જણાવ્યું કે જે વિકાસનાકામ થાય છે તે મજબૂત અને નિયમો મુજબ થાય તે જોવાની જવાબદારી સૌની છે. અને જો ક્યાંય કામ નબળું થાય તો અમને જાણ કરો અમે મોરબી જિલ્લામાં ક્યાંય પણ નબળું કામ ચલાવી નહીં લઈએ. એટલે લોકોએ પણ જાગૃત બની બધે નજર રાખતી રહેવી જોઈએ.

- text