રસિયો રૂપાળો… મોરબીમાં સીટી બસ સેવા બંધ

- text


પાલિકાએ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ નાણા ન ચૂકવતા કોન્ટ્રાકટર પાસે CNGના પૈસા ખૂટી પડયા

મોરબી : તાજેતરમાં વીજ કર્મચારીએ બાકી બીલના નાણાં વસૂલવા રસિયો રૂપાળો… બિલ ભરવું ગમતું નથી રમુજી ગીત ગાઈને ચર્ચા જગાવી છે ત્યારે એવા જ કિસ્સામાં મોરબી પાલિકાના રસિયા રૂપાળા તંત્રએ સીટી બસના કોન્ટ્રાક્ટરને નાણાં નહિ ચૂકવતા હવે કોન્ટ્રાકટર સીએનજી ગેસના બીલના પૈસા પણ ન ચૂકવી શકતા મોરબીના લોકો માટેની સસ્તા ભાડાની સીટી બસના પૈડાં થંભી ગયા છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ભાજપ શાસિત પાલિકાની જાણે માઠી દશા બેઠી હોય તેમ પાલકનું તંત્ર ડામાડોળ થઈ ગયું છે જેની પ્રતીતિ આજે રજૂ થયેલા નાણાકીય વર્ષ 2023 – 24ના બજેટમાં પણ જોવા મળી છે ત્યારે આજે ચોંકાવનારી અને મોરબીના ગરીબ મધ્યમ વર્ગને ઝટકો આપે તેવી પાલિકાની નાદારી જેવી સ્થિતિ સામે આવી છે. ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોરબી પાલિકાએ સીટી બસના કોન્ટ્રાકટરને રાતી પાઈ પણ ન ચુલવતા છેલ્લા ત્રણ દિવસથી મોરબીની સીટી બસ સેવાને સજ્જડ બ્રેક લાગી ગઈ છે.

મોરબીમાં એક માત્ર પાલિકાની સારી કહી શકાય તેવી સીટી બસ સેવા બંધ થવા અંગે પાલિકાના સીટી બસ કોન્ટ્રાક્ટરનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી પાલિકા દ્વારા બીલના નાણાં ચુકવવામાં આવ્યા નથી. બીજી તરફ સીએનજીથી ચાલતી બસમાં ઉધારમાં ગેસ પુરવામાં આવતો હતો પરંતુ હવે ગેસના પમ્પ ધારકે ઉધારમાં ગેસ પુરવાની ના પાડતા હાલમાં સીટી બસ સેવા બંધ કરવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, મોરબીમાં કુલ 16 સીટી બસ છે જે પૈકી 11 સીટી બસને રફાળેશ્વર, લજાઈ, સામા કાંઠા સહિતના વિસ્તારમા દોડાવવામાં આવતી હતી પરંતુ છેલ્લા છ મહિનાથી બીલના નાણા પાલિકાએ નહિ ચૂકવતા કોન્ટ્રાક્ટરને માણસોના પગાર ચુકવવામાં પણ તકલીફ પડતા અંતે ત્રણેક દિવસથી સીટી બસ સેવા સમૂળગી બંધ કરી દેવાઈ છે.

બીજી તરફ મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર એન.કે.મુછારે આ મામલે જણાવ્યું હતું કે, સીટી બસ કોન્ટ્રાક્ટરના બિલ ચૂકવવા માટે બીલની ચકાસણી ચાલી રહી છે જે પૂર્ણ થયે નાણાં ચુકવવામાં આવશે. જો કે, વિકાસશીલ પાર્ટી સતા સ્થાને હોય ત્યારે મામુલી રકમ માટે આખા શહેરની સીટી બસ સેવા બંધ થતાં મોરબી પાલિકામા ચાલતા અંધેર વહીવટનો નમૂનો સામે આવ્યો છે અને તરેહ તરેહની ચર્ચાઓ પણ ઉઠી છે.

- text

- text