ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાને બે મહિના વીત્યા : તપાસ પાણીમાં, ન્યાય ઝંખતા હતભાગીઓ

- text


ઉધોગપતિ મરે તો કાયદા બદલે, ગરીબો મરે તો ન્યાય પણ ઝાંઝવાના જળ સમાન : મોરબી પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી સંતોષ માની લેતી ભુપેન્દ્રભાઈની સંવેદનશીલ સરકાર

મોરબી : હંસલા હાલો રે હવે, મોતીડાં નહી રે મળે,આ’તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી મોતીડાં નહી રે મળે… પ્રાચીન ભજનની પંક્તિ હાલમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં બંધ બેસી રહી છે. 135 – 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનાને બબ્બે માસ જેટલો સમય વીતવા છતાં તપાસ જાણે મચ્છુ નદીના ગંદા ગટરના પાણીમાં ડૂબી ગઈ હોય તેવી સ્થિતિ વચ્ચે હવે મૃતકોને ન્યાયની આશા છોડી દેવી પડે તેવી સ્થિતિ વચ્ચે ગુજરાત હાઇકોર્ટ મારફતે ન્યાય મળે તેવું એક માત્ર આશાનું કિરણ દેખાઈ રહ્યું છે, હાઇકોર્ટના સ્પષ્ટ દિશાનિર્દેશ બાદ પણ કસુરવાન નગરપાલિકા બોડી સુપરસીડ થઈ નથી કે સીટી રિપોર્ટ કે એફએસએલ રિપોર્ટ સાર્વજનિક ન થતા સંવેદનશીલ સરકારની રીતિ નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. સવાલ તો એ છે કે સાયરસ મિસ્ત્રી જેવા ઉદ્યોગપતિનું કાર અકસ્માતમાં મૃત્યુ થાય તો નવા કાયદા બને અને અહીં 135 નિર્દોષ લોકો મોતને ભેટે છતાં યોગ્ય દિશામાં અને ઝડપી તપાસ ન થાય અને એથી પણ આગળ મુખ્ય કસુરવાન ઉદ્યોગપતિનું નામ પણ ન લેવાય તે અત્યંત ગંભીર બાબત છે.

30 ઓક્ટોબરનો એ કાળો દિવસ મોરબીના રહેવાસીઓ કદી નહીં ભૂલી શકે આ ગોઝારા દિવસની ઢળતી સાંજે અજંતા ઓરેવા કંપની સંચાલિત ઝૂલતા પુલ ઉપર ફરવા આવેલા લોકો પૈકી 135 નિર્દોષ લોકોએ ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપની અને નગરપાલિકાની ઘોર અક્ષમ્ય બેદરકારીને પાપે નરકાગાર જેવી સ્થિતિમાં મોત મેળવ્યું હતું. આ દુર્ઘટના બાદ દેશ જ નહીં બલ્કે વિદેશી મીડિયા પણ મોરબીમાં ઉમટી પડ્યું અને ગણતરીની કલાકોમાં જ કંપનીના બે મેનેજર, ઝૂલતા પુલની ટિકિટબારીના ક્લાર્ક, ઝૂલતો પુલ રીપેરીંગ કરવાનો કોન્ટ્રાકટ રાખનાર બે કોન્ટ્રાકટર અને ચોકીદાર જેવા સામાન્ય માણસો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઇ ગઈ અને ગણતરીની કલાકોમાં ધરપકડ પણ થઈ ગઈ, લોકોને દિલાસો આપવા મુખ્યમંત્રી, ગૃહમંત્રીએ ધામા નાખ્યા તો વડાપ્રધાન મોદી પણ લોકોના આસું લુછવા પહોંચ્યા પણ કમનસીબે મોરબીની વિરાસત સમા ઝૂલતા પુલનું રીનોવેશન કરનાર અજંતા ઓરેવાના માલિક એવા જયસુખ પટેલને આટલી મોટી દુર્ઘટના બાદ ન તો એફઆરઆઈમા નામ આવ્યું કે ન ઉની આંચ આવી. ગોઝારી દુર્ઘટના બાદ તાબડતોબ ટાબોતા પાડી એસઆઇટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થઈ એફએસએલની તપાસ થઈ પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે આજે બે મહિના બાદ પણ તપાસનો એક પણ રિપોર્ટ સાર્વજનિક ન થયો.

- text

જો કે, 135 લોકોનો ભોગ લેનાર આ ગોઝારી દુર્ઘટનામાં હવે હતભાગી મૃતકોના પરિવારજનો એક માત્ર ન્યાયની આશા ગુજરાત હાઇકોર્ટ પાસે સેવી રહ્યા છે. દુર્ઘટના બાદ સુઓમોટો રીટ પીટીશન દાખલ કરી નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળ આ કેસમાં નક્કર કહી શકાય તેવી કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે. નોંધનીય અને ધ્યાન ખેંચાય તેવી બાબત એ છે કે દુર્ઘટના પૂર્વે ઉતાવળે ઝૂલતો પુલ ખુલ્લો મુકનાર જયસુખ પટેલે પ્રેસ કોંફરન્સ કરી રીનોવેશન અંગે મોટી મોટી વાતો કરી હતી અને દુર્ઘટના બાદ આ કહેવાતા સેવાભાવી ઉદ્યોગપતિ ભૂગર્ભ ઉતરી ગયા છે અને અચાનક જ નામદાર કોર્ટ સમક્ષ અજંતા ઓરેવા કંપનીને પક્ષકાર તરીકે જોડવા માંગ કરતા નામદાર કોર્ટે કંપનીની અરજી ગ્રાહ્ય રાખી છે.

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે સાયરસ મિસ્ત્રી જેવા દિગજ્જ ઉદ્યોગપતિ કાર અકસ્માતમાં મૃત્યુ પામે તો રાતોરાત રોડસેફટીના કાયદા બદલવા નિર્ણય થાય ત્યારે 135 નિર્દોષ લોકોના મૃત્યુ બાદ ન તો કેન્દ્ર સરકાર જાગે કે ન તો રાજ્ય સરકાર આ બાબતને ગંભીર ગણે તો જનતાની કમનસીબી ગણવી કે ગરીબ – મધ્યમ વર્ગના મોત સસ્તું ગણાય તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના પૂર્વે બે કરોડના ખર્ચે ઝૂલતા પુલને રીનોવેટ કર્યાના ખોખલા દાવા કરનાર અજંતા ઓરેવાના કહેવાતા સેવાભાવી મેનેજીંગ ડિરેકટર જયસુખ પટેલ દુર્ઘટના બાદ અદ્રશ્ય થઈ ગયા છે, માનવતા નેવે મુકનાર અજંતાના માલિક 135 નિર્દોષ લોકોના મોત બાદ સહાય ચૂકવવાનું તો ઠીક બબ્બે મહિના વીતવા છતાં હજુ સાંત્વનાના બે શબ્દ કે કંપની તરફથી શોક સંદેશ પણ પાઠવી શક્યા નથી.

તો બીજી તરફ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ 135 નિર્દોષ લોકોને ન્યાય મળે તે માટે લડત આપવાને બદલે હાઇકોર્ટના કડક વલણને પગલે નગરપાલિકા સુપરસીડ થાય તેવા સંકેતો મળતા પોતાની સતા ટકાવવા માટે જનતાના પ્રતિનિધિઓ પણ મેદાને આવી ગયા છે. નવ નવ મહિના સુધી સામાન્ય સભા ન મળી હોવા છતાં અવાજ નહિ ઉઠાવનાર નગરસેવકો હવે સતા પર ટકી રહેવા પોતાના વકીલ રાખી પાલિકાને સુપરસીડ કરવી ન્યાયના હિતમાં ન હોવાની વાતો કરી રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠે છે કે શુ નિર્દોષ લોકોને ન્યાય મળશે ખરો ? કે મચ્છુ હોનારતની જેમ ઝૂલતા પુલની દુર્ઘટનામાં પણ રહસ્યો અકબંધ રહેશે.

- text