ભાવ ઘટાડા બાદ પણ ગુજરાત ગેસનો વપરાશ ઘટ્યો ! એલપીજી હજુ પણ સસ્તો

- text


મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં ગુજરાત ગેસના પાઈપલાઈન ગેસની ખપતમાં દિવસે-દિવસે ઘટાડો

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ઉદ્યોગમાં ઉત્પાદન ખર્ચ બચત માટે વપરાતા નેચરલ પાઈપલાઈન ગેસના ભાવમાં તોતિંગ ભાવવધારો ઝીકનારા ગુજરાત ગેસ કંપનીના પડતીના દિવસોની શરૂઆત થઇ ચુકી છે, તાજેતરમાં ગેસના ભાવમાં 8..5 ટકાના ઘટાડા બાદ પણ નેચરલ ગેસના વપરાશમાં વધારો થવાને બદલે ઘટાડો થયો છે અને દિવસેને દિવસે સિરામીક ઉદ્યોગકારો એલપીજી અને પ્રોપેન તરફ વળી રહ્યા છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ક્લસ્ટરમાં એક સમયે ઇંધણ તરીકે કોલગેસ વપરાતો હતો અને બાદમાં પ્રદુષણ મુદ્દે કોલગેસ ઉપર પ્રતિબંધ લાદવામાં આવતા સસ્તા ઇંધણ તરીકે ગુજરાત ગેસ કંપની દ્વારા પાઈપલાઈન નેચરલ ગેસનો જથ્થો ઉપલબ્ધ બનાવતા મોરબીના મોટાભાગના સીરામીક એકમોએ ગુજરાત ગેસના કનેક્શન મેળવતા મોરબી સીરામીક ક્લસ્ટરમાં દૈનિક 55 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ થતો હતો. બીજી તરફ ગેસ સપ્લાય મોનોપોલી ધરાવતી ગુજરાત ગેસ કંપનીએ પાઈપલાઈન ગેસના ભાવમાં બમણાથી વધુ ભાવ વધારો ઝીકતા મોરબીના બુદ્ધિજીવી ઉદ્યોગકારો એલપીજી અને પ્રોપેન ગેસ તરફ વળ્યાં છે.

જો કે, ગેસ સપ્લાયમાં એકચક્રી શાસન ધરાવતી ગુજરાત ગેસ કંપનીની મોનોપોલી સામે ભાવવધારા બાદ મોરબીના ઉદ્યોગકારોએ ઉંચી કેલેરી વેલ્યુ ધરાવતા એલપીજી અને પ્રોપેન ગેસનો વપરાશ શરૂ કરતા ગુજરાત ગેસની દૈનિક ખપત ઘટીને 25 લાખ ક્યુબિક મીટર પહોંચી જતા ગુજરાત ગેસ કંપનીના હોશકોશ ઉડી જતા તાકીદની અસરથી ગત સપ્તાહમાં નેચરલ પાઈપલાઈન ગેસના ભાવમાં 8.5 ટકા ઘટાડો અમલી બનાવ્યો છે. જો કે, ભાવમાં ઘટાડો થવા છતાં પણ હાલમાં સીવી એટલે કે કેલેરી વેલ્યુની દ્રષ્ટિએ સીરામીક ઉદ્યોગને એલપીજી અને પ્રોપેન ગેસ સસ્તો પડતો હોવાથી ભાવ ઘટાડા બાદ પણ મોરબી ક્લસ્ટરમાં ગુજરાત ગેસના વપરાશમાં વધુ ઘટાડો થયો છે અને હાલમાં દૈનિક વપરાશ ઘટીને 20થી 22 લાખ ક્યુબિક મીટર દૈનિક થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસના નેચરલ ગેસની તુલનાએ એલપીજી અને પ્રોપેન ગેસની કેલરી વેલ્યુ વધુ હોય નેચરલ ગેસની સામે એલપીજી ગેસ 20 ટકા ઓછો વપરાતો હોય સિરામીક ઉદ્યોગકારો હાલમાં નેચરલ ગેસની તુલનાએ એલપીજી વપરાશ વધુ કરે છે. હાલમાં 50થી 60 લાખના ખર્ચમાં નેચરલ ગેસની સાથે જ એલપીજી ગેસ વપરાશ માટે વિકલ્પ મળતો હોય મોટાભાગના ઉદ્યોગ એલપીજી તરફ વળી જતા આવનાર દિવસોમાં ગુજરાત ગેસને વધુ મરણતોલ ફટકો પડે તેવા સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે.

- text