હળવદ બેઠક ઉપર પ્રકાશ વરમોરાનો પ્રકાશ પ્રજવલિત થયો : ભાજપનો ભવ્ય વિજય

- text


ભાજપના પ્રકાશભાઈ વરમોરા સામે કોંગેસના ઉમેદવારનો 33 હજાર મતે પરાજય

હળવદ : મોરબી જિલ્લાના હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાને જોડતી હળવદ-ધ્રાંગધ્રા બેઠક ઉપર કોળી સમાજની નારાજગીનો મુદ્દો છેલ્લે સુધી ગાજતો રહ્યા બાદ આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાની 33 હજારની લીડથી જીત થતા કોંગ્રેસના ઉમેદવારને કારમી હાર સહન કરવી પડી છે, સીરામીક ઉધોગપતિ પ્રકાશ વરમોરાની જીતથી હળવદ ભાજપ છાવણીમાં ઉલ્લાસ ઉમંગ છવાઈ જવાની સાથે મોરબી સીરામીક ઉદ્યોગમાં પણ ખુશીની લહેર દોડી ઉઠી છે.

ચુવાળિયા કોળી જ્ઞાતિના મતદારોના પ્રભુત્વવાળી હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા સીરામીક જગત સાથે જોડાયેલા પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાને મેદાનમાં ઉતારતા જ આયાતી ઉમેદવાર હોવાની વિરોધીઓએ હવા ઉડાવી આ બેઠક ઉપર કોળી સમાજની નારાજગી ભાજપને ભારે પડશે તેવો માહોલ ઉભો કર્યો હતો. સામાપક્ષે કોંગ્રેસ દ્વારા ભાજપથી નારાજ એવા પપ્પુભાઈ ઠાકોર એટલે કે છત્રસિંહ ગુંજારીયાને ચૂંટણીજંગમાં મેદાને ઉતાર્યા હતા અને આમ આદમી પાર્ટીએ અહીં પાટીદાર ઉમેદવાર વાઘજીભાઈ પટેલને મેદાનમાં ઉતારતા અહીં ત્રિપાખીયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપએ બાજી મારી છે.

- text

હળવદ- ધ્રાંગધ્રા બેઠક ઉપર ત્રણેય પક્ષોએ જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવતા ભાજપના પ્રકાશભાઈ વરમોરાને 93,265 મત, કોંગ્રેસના પપ્પુભાઈ ઠાકોરને 59,869 મત અને આપના ઉમેદવાર વાઘજીભાઈ પટેલને 25058 મત મળતા પ્રકાશભાઈ વરમોરાની 33, 396 મતોની લીડથી વિજય મળ્યો હતો. જો કે, મોરબી જિલ્લાની ટંકારા અને વાંકાનેર બેઠકની જેમ હળવદ -ધ્રાંગધ્રા બેઠક ઉપર ઉપર કોંગ્રેસને અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર નડી ગયા હતા અને મતોનું વિભાજન થતા અહીં ભાજપનો વિજય આસાન બનવાની સાથે કોળી સમાજની નારાજગીનો છેદ પણ ઉડી ગયો હતો.

- text