લાડુ સ્પર્ધામાં લખમણ આતા ત્રણ મિનિટમાં છ લાડવા આરોગી ગયા 

- text


ટંકારાના હરબટિયાળી ગામે ગણેશોત્સવમાં 65થી 70 વર્ષના વયોવૃધ્ધોએ રંગ રાખ્યો 

ટંકારા : ચાઈનીઝ, પંજાબી, ફાસ્ટ ફૂડ, પિઝાના આજના જમાનામાં બંગાળી અને અન્ય મીઠાઈ સામે પરંપરાગત લાડુ વિસરાઈ રહ્યા છે ત્યારે આજે ટંકારા તાલુકના હરબટિયાળી ગામે ગણેશોત્સવમાં અંતિમ દિવસે વડીલો માટે લાડુ આરોગવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગામના જ લખમણ આતાએ ત્રણ મિનિટમાં 6 લાડવા આરોગી પ્રથમ નંબર મેળવ્યો હતો.

અગાઉના સમયમાં તહેવારો-ઉત્સવોમાં લાડુ આરોગવાની સ્પર્ધા યોજાતી પરંતુ આધુનિક સમયમાં ફેન્સી મીઠાઈના આક્રમણ સામે લાડુ વિસરાઈ જતા લાડુ સ્પર્ધા પણ જવલ્લે જ યોજાઈ છે તેવામાં આજરોજ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં રોયલ પાર્કના રાજા ગણેશોત્સવમાંપ્રાથમિક શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબહેન મનસુખલાલ અને તેમની ટીમે આયોજક જયસુખલાલ સંઘાણીના સહયોગ થકી લાડુ સ્પર્ધાનું અનોખું આયોજન કર્યું હતું.

આ અનોખી લાડુ સ્પર્ધામાં 65 થી 70 વર્ષના કુલ 9 વડીલોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના નિયમ મુજબ 3 મિનિટમાં વધુ લાડવા ખાઈ શકે તે વિજેતા બને તેવો નિયમ હતો. આ અનોખી સ્પર્ધાને નિહાળવા બહોળી સંખ્યામાં જન સમૂદાય એકઠો થયો હતો. સ્પર્ધામાં ત્રણ મિનિટમાં 6 લાડુ આરોગી લક્ષ્મણભાઈ ત્રિકુભાઈ નમેરા પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા. જયારે સંઘાણી રતિલાલ દેવશીભાઇએ પાંચ લાડુ રોગી બીજો નંબર અને સંઘાણી નાનજીભાઈ ભીમજીભાઈ તેમજ સંઘાણી ભીખાભાઈ ઠાકરશીભાઈ 4-4 લાડુ આરોગી સંયુક્ત રીતે ત્રીજો એ મેળવ્યો હતો. તમામ વિજેતાઓ અને ભાગ લેનાર તમામ વડીલોને સરપંચ દેવરાજ ભાઈ સંઘાણી,અશોકભાઈ સંઘાણી,કેશુભાઈ નમેરા,જમતભાઈ સંઘાણી,ગોવિંદભાઈ ચંડાટ ના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું તેમજ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જયપ્રકાશભાઈ સંઘાણી,હિતેશભાઇ ઢેઢી,મુન્નાભાઈ ગજેરા તેમજ જયસુખભાઇએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત સંઘાણી રજનીકાંત ભાઈ, નમેરા હસમુખભાઈ, ડાકા નરેન્દ્રભાઇ,સંઘાણી નાનજીભાઈ,સંઘાણી રસિકભાઈ,દુબરિયા હેમંતભાઈ અને દુબારિયા ઉમેશભાઈ એ પોતાનો યથા યોગ્ય ફાળો આપી કાર્યક્રમની સફળતાને ચાર ચાંદ લગાવી દીધા હતા.

- text