હળવદના જુના દેવળીયા ગામે મેળામાં દાદાગીરી કરતા ત્રણ લુખ્ખાઓએ આધેડને છરી હુલાવી

- text


લોકમેળામાં એક્ટિવા લઈને આંટાફેરા કરનાર લુખ્ખાઓએ મેળો બાનમાં લેતા પોલીસ કાફલો દોડ્યો

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળે ભરાતા પરંપરાગત લોકમેળામાં ત્રણ શખ્સો એક્ટિવા લઈ આંટાફેરા કરી જાહેરમાં ગાળાગાળી કરતા હોય એ લુખ્ખાઓને ગાળો નહિ બોલવા ટપારનાર મોરબીના આધેડને લુખ્ખાએ છરીના ઘા ઝીકી દેતા હંગામો મચી ગયો હતો અને પોલીસના ધાડેધાડા સ્થળ ઉપર ઘસી જઈ મામલો થાળે પાડ્યો હતો

આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે સ્વસ્તીક સોસાયટીમાં રહેતા મૂળ જુના દેવળીયા ગામના

સુરેશભાઇ મગનભાઇ ભોરણીયા ઉ.52 ગત તા.6ના રોજ જુના દેવળિયા ગામે તળાવની પાળે ભરાતા પરંપરાગત મેળામાં બાળકોને લઈ ને ગયા હતા ત્યારે જુના દેવળીયા ગામના જ રમઝાનભાઇ મુસાભાઇ મીયાણા, યાસીનભાઇ મુસાભાઇ મીયાણા અને અમીન તાજમહમદભાઇ મીયાણા મેળામાં એક્ટિવા લઈને આંટાફેરા કરી ગાળો બોલતા હોય સુરેશભાઈએ ગાળો નહિ બોલવા જણાવ્યુ હતું.

- text

જો કે, મેળામાં આવતા સહેલાણીઓને ગાળો બોલી રહેલા આ લુખ્ખાઓ લાજવાને બદલે ગાજ્યાં હતા અને ગાળો નહી બોલવા સમજાવનાર સુરેશભાઈ સાથે ઝઘડો કરી બે શખ્સોએ સુરેશભાઈને પકડી રાખી એક શખ્સે આડેધડ છરીના ઘા ઝીકી દેતા મેળામાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસના ઘાડેધાડા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડી સુરેશભાઈની ફરિયાદને આધારે ત્રણેય વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી હળવદ પીઆઇ એમ.વી.પટેલ દ્વારા તપાસ શરૂ કરી છે. બનાવની ગંભીરતા જોતા મદદનીશ જિલ્લા પોલીસવડા અતુલ કુમાર બંસલ પણ હળવદ દોડી ગયા હતા.

- text