મોરબી નગરપાલિકામાં અધિકારીઓના બીમારીના બહાનાથી ચીફ ઓફિસર થાક્યા 

- text


સાત આઉટડોર અધિકારીઓના આરોગ્ય પાલિકાના ખર્ચે તપાસી દેવા સિવિલ સુપ્રિન્ટેન્ડેટને પત્ર પાઠવ્યો

મોરબી : મોરબી પાલિકામાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ વચ્ચે વારંવાર એક યા બીજા વિભાગના અધિકારી – કર્મચારી બિમારીનું બહાનું આગળ ધરી રજા ઉપર ઉતરી જતા હોય આવી સ્થિતિથી તંગ આવી ગયેલા ચીફ ઓફિસરે મોરબી સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટને લેખિત પત્ર પાઠવી સાત અધિકારીઓના નામ સાથે તમામ આરોગ્ય વિષયક ચકાસણી પાલિકાના ખર્ચે કરી આપવા જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોરબી સિવીલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટને લેખિત પત્ર પાઠવ્યો છે જેમાં જણાવાયું છે કે, મોરબી નગરપાલિકાના આઉટડોર વિભાગના અધિકારીઓ કે જેઓ આઉટડોરની અગત્યની કામગીરી સંભાળતા હોય અવાર-નવાર બી.પી., ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીનું બહાનું બતાવી રજા ઉપર જતા હોય છે જેના કારણે મોરબી શહેરની જાહેર સુખાકારીની કામગીરીમાં મુશ્કેલી પડતી હોય અને તેઓ પાસેથી કામગીરી લઇ શકાતી ન હોય માટે આ અધિકારીઓને ખરેખર તકલીફ છે કે શુ? આ બાબતે જરૂરી મેડીકલ ચેકઅપ કરી ફિટનેશની ખરાઈ કે કરી અત્રેની કચેરીને જાણ કરવા જણાવાયું છે.

- text

વધુમાં આ લેખિત પત્રમાં મેલરીયા વિભાગના કૃષ્ણસિંહ જાડેજા, સેનિટેશન વિભાગના હિતેશભાઈ રવેશિયા, વોટર વર્કસ વિભાગના હર્ષદભાઈ કંસારા, ભૂગર્ભ ગટર વિભાગના હિતેશભાઈ દવે, ઈલેક્ટ્રીક વિભાગના સૂર્યકાંતભાઈ પાટીલ, ગાર્ડન વિભાગના નિરંજનભાઈ ભટ્ટ અને હાઉસ ટેક્સ વિભાગના અલ્કેશભાઈ રવેશિયાનું આરોગ્ય તપાસી ફિટનેસ રિપોર્ટ આપવા જણાવી આ અંગેનો જે કોઈ ખર્ચ થશે તે નગરપાલિકા દ્વારા ભરપાઈ કરવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું છે. જો કે, ચીફ ઓફિસરના આ પગલાંથી પાલિકાના કર્મચારીઓમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.

- text