માળીયા તાલુકાના સુલતાનપુરની પ્રા. શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ

- text


ભાવિ મતદાર એવા બાળકોને ચૂંટણી પ્રક્રિયા તથા લોકશાહીનો ખરો અર્થ બાળપણથી જ સમજાવવાનો પ્રયાસ

મોરબી : શાળા કક્ષાએથી લોકશાહીનો ખરો અર્થ સમજે તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પ્રક્રિયામાં એક મતનું શું મૂલ્ય છે તેનાથી વાકેફ થાય તે હેતુથી માળીયા તાલુકાના સુલતાનપુરની પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને ચૂંટણી પ્રક્રિયા સમજાવવા અને સામાજિક વિજ્ઞાનમાં આવતો લોકશાહીનો મુદ્દો સમજાવવા માટે સામાજિક વિજ્ઞાનના શિક્ષક ચેતનકુમાર દ્વારા આ અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ખરેખરની ચૂંટણી પ્રક્રિયા જેમ જ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા તથા ચૂંટણી સ્ટાફ તરીકે વિદ્યાર્થીઓને વિવિધ કામગીરી સાથે વાકેફ કરી ઓફિસર તરીકે નિમવામાં આવ્યા હતા. આ બાળ સંસદમાં પાંચ જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતો ઉડેચા ચતુર સૌથી વધારે મત મેળવી વિજેતા બન્યો હતો.

લોકશાહીમાં ચૂંટણી પ્રકિયાનું અનેરું મહત્વ છે. દેશનાં નાગરિકો ચૂંટણીની પ્રક્રિયા બાબતે જેટલાં જાગૃત બને તેટલી જ લોકશાહી મજબૂત બને. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ લોકશાહીનાં ભાવિ મતદાર છે. ત્યારે તેમને શાળા કક્ષાએથી જ ચૂંટણી પ્રકિયાનું જ્ઞાન મળે તેવા ઉમદા હેતુથી બાળ સંસદ ચૂંટણી ખરેખર ઉમદા નોંધનીય છે.

- text

બાળ સંસદ ચૂંટણી યોજી વિદ્યાર્થીઓને ભારતની લોકશાહી શાસન પદ્ધતિની સમજ આપવામાં આવી હતી. આ બાળ સંસદ ચૂંટણીમાં શિક્ષક ગણ તેમજ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

- text