એ નિરાંતે ભેળસેળ કરજો !! ફૂડ એન્ડ ડ્રગ કચેરી રામ ભરોસે 

- text


ઉઘરાણામાં એસીબીની ઝપટે ચડેલા સિનિયર ફૂડ સેફટી ઓફિસર એક મહિનાની રજા ઉપર ઉતરી ગયા : ફૂડ ઇન્સ્પેકટર કહે છે અમને બોલવાની મનાઈ (ઉઘરાણા કરવાની મનાઈ નહી)

મોરબી : ધણી ધોરી વગરના મોરબી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ હોય કે જાહેરમાં થતા ઉઘરાણા હોય અધિકારીઓ કર્મચારીઓને કોઈ મનાઈ નથી પરંતુ તેમના જ તંત્રએ કરેલી કામગીરીની વિગતો આપવાની હોય તો ઉપરથી મનાઈ છે તેવા જવાબ આપી રહ્યા છે. મોરબી ફૂડ એન્ડ ડ્રગ કચેરીના મહિલા સિનિયર ફૂડ સેફટી ઓફિસર અને ફૂડ ઇન્સ્પેકટર હળવદથી ઉઘરાણા કરીને આવતા હતા ત્યારે 20 દિવસ પહેલાએ એસીબી ટીમે બિનહિસાબી રોકડ સાથે ઝડપી લીધા બાદ મહિલા અધિકારી રજા ઉપર ઉતરી જતા કચેરી રામ ભરોસે મુકાઈ છે અને એક ક્લાર્ક તેમજ ફૂડ ઇન્સ્પેકટર કચેરીમાં નિરાંતે બેઠા હોય મોરબી જિલ્લામાં ભેળસેળીયા તત્વોને મોકળું મેદાન આપવામાં આવ્યું છે.

હળવદ શહેરમાં ઠંડા પીણાં, કરિયાણા અને ડેરીના ધંધાર્થીઓ પાસેથી ફૂડ એન્ડ ડ્રગના મહિલા અધિકારી અને તેના મળતિયા ઉઘરાણા કરી મોરબી તરફ આવી રહ્યા હોવાની મોરબી એસીબી પોલીસને ફરિયાદ મળતા ગત તા.20 જૂનના રોજ મોરબી એસીબી ટીમે હળવદ હાઇવે ઉપર વોચ ગોઠવી ફૂડ એન્ડ ડ્રગ કચેરી મોરબીના સિનિયર ફૂડ સેફટી ઓફિસર હર્ષાબેન બી.પટેલ અને ફૂડ ઇન્સ્પેકટર ચિરાગ નિમાવતને જીજે-04-બીઈ-5718 નંબરની વોક્સ વેગન પોલો કારમાંથી શંકાસ્પદ રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

- text

વધુમાં સરકારી પંચ સાથે રાખી એસીબી પીઆઇ પી. કે. ગઢવી અને તેમની ટીમે કાર રોકી ચેકીંગ કરતાં, GJ-04-BE-5718 ની વોકસવેગન પોલો કારમાથી હર્ષાબેન બી. પટેલ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ-૨ તથા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ચિરાગ નિમાવત ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ કચેરી મોરબી વાળા પાસેથી રૂપિયા 67930 અને 8720 રોકડા મળી આવતા રોકડ રકમ અંગે ખુલાસો માંગ્યો હતો પરંતુ બન્ને લાંચિયા અધિકારી સંતોષકારક ખુલાસો ન કરતાં, ભ્રષ્ટાચાર સબંધી શંકાસ્પદ રકમ ગણી રોકડ રકમ કબજે લઈ મોરબી એસીબી પોલીસ મથકમાં કાર્યવાહી શરૂ કરી હતી.

બીજી તરફ એસીબી પોલીસની ઝપટે ચડ્યા બાદ સિનિયર ફૂડ સેફટી ઓફિસર હર્ષાબેન બી.પટેલ હાલ એક મહિનાની લાંબી રજા ઉપર ઉતરી જતા મોરબી ફૂડ એન્ડ ડ્રગ કચેરી રેઢી પડ બની છે. હાલ કચેરીમાં ફૂડ ઇન્સ્પેકટર નિમાવત અને ક્લાર્ક જ સમગ્ર જિલ્લાનો કારભાર સંભાળી રહ્યા હોય છેલ્લા એક મહિના દરમિયાન તંત્રે કરેલી કામગીરીની વિગતો માંગવામાં આવતા ઉપરથી મનાઈ હોવાનું બહાનું આગળ ધરી ફૂડ ઇન્સ્પેકટર નિમાવતે જવાબ આપવાનું ટાળી દીધું હતું. આમ એસીબીના પંજામાં ફસાયેલી ફૂડ એન્ડ ડ્રગ કચેરી હાલમાં રામભરોસે હોય મોરબીમાં ભેળસેળીયા તત્વોને છૂટો દૌર મળ્યો છે.

- text