મોરબીના જિગીશાબેન માટે આયુષ્યમાન ભારત યોજના બની આશાનું કિરણ

- text


કિડની બીમારીની બીમારીને કારણે જિગિશાબેન તળાવીયા લઇ રહ્યા છે ડાયાલીસીસની સારવાર

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જનસેવા અને લોકકલ્યાણના જે સંકલ્પ સાથે આયુષ્યમાન ભારત યોજના અમલ કરી તે સંકલ્પ ગરીબો અને જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે જેનું ઉદાહરણ મોરબી રવાપર ગામના જિગિશાબેન તળાવીયા બન્યા છે. જિગિશાબેનને કિડનીની બીમારી હતી અને દવાના ખર્ચના બોજા સામે પરિવાર જ્યારે નિ:સહાય બન્યું ત્યારે આયુષ્યમાન ભારત યોજના તેમના માટે આશાનું કિરણ બનીને આવી.

આ અંગે તેમની લાગણી વ્યકત કરતા જિગિશાબેન જણાવે છે કે, આ યોજના ન હોત તો કદાચ આજે હું જીવિત જ ન હોત. પેટમાં દુખાવાને કારણે અમે રાજકોટ ગયા અને તપાસ પરથી જાણવા મળ્યું કે મારી બન્ને કિડની ખરાબ છે. જેથી ડાયાલીસીસની સારવાર લેવી પડે. અમે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાંથી સારવાર લીધી જ્યાં સારવારનો ખર્ચ ૩ લાખથી પણ વધુ થાય તેમ હતું. અમારી પરિસ્થિતિ એવી નથી કે આટલો ખર્ચ અમે કરી શકીએ. આ સંજોગોમાં આયુષ્યમાન ભારત યોજના અમારા માટે આશાનું કિરણ બનીને આવી. આજે હું ક્રિષ્ના હોસ્પિટલમાંથી ડાયાલીસસીસની સારવાર લઇ રહી છું જેનો કોઇપણ ખર્ચ અમારે ચૂકવવાનો થતો નથી. જેથી હું અને મારો પરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આભારી છીએ.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ આયુષ્યમાન ભારત જેવી આરોગ્ય લક્ષી યોજનાઓ જિગિશાબેન જેવા અનેક દર્દીઓ અને તેમના પરિવાર જનો માટે સહાયરૂપ બની છે. જેથી તેઓ ગંભીર બિમારીઓની નામાકિંત હોસ્પિટલમાંથી સારવાર લઇ શકે છે અને તે પણ તદ્દન મફત !

- text

આઝાદીના અમૃત મહોત્સવ તથા ગરીબ કલ્યાણના વિવિધ કાર્યક્રમો થકી સરકાર દ્વારા ગરીબો તેમજ વંચિતો સુધી પહોંચી તેમની મુશ્કેલીઓ નિવારવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં યોજાયેલ ૮ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી તળાવીયા જિગિશાબેન મિલનભાઇને આયુષ્યમાન કાર્ડના ફાયદાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે, આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકારી તેમજ PMJAY યોજનાની સાથે સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં હ્યદય, કિડની, કેન્સર વગેરેને લગતી બીમારીઓ નવજાત શીશુના રોગો, મગજના રોગો વિગેરેની સારવાર તદન મફત મળવાપાત્ર છે. જે માટે લાભાર્થીને કુટુંબ દિઠ કુલ રૂપિયા પ લાખની કેશલેસ સહાય મળવાપાત્ર છે. જેમાં આ યોજના અંતર્ગત સાભાર્થીએ PMJAY કાર્ડ કઢાવવાનું હોય છે. જેના માટે વાર્ષિક રૂ. ૪.૦૦ લાખથી ઓછી આવક તથા જે લાભાર્થી સીનીયર સીટીઝન હોય તો વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખથી ઓછી હોવી જરૂરી છે. આ કાર્ડ કઢાવવા માટે આવકના દાખલા ઉપરાંત આધાર કાર્ડ તેમજ રેશનકાર્ડ રજૂ કરવું આવશ્યક છે. આ યોજના અંતર્ગત હવે વ્યકિતદિઠ કાર્ડ નીકળી શકે છે. લાભાર્થીઓ PMJAY કાર્ડ જિલ્લા સરકારી હોસ્પીટલ, સબડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સંલગ્ન ખાનગી હોસ્પીટલ, N-code કીઓસ્ક સેન્ટર, ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ સેન્ટર પરથી કાર્ડ કઢાવી શકાય છે.

- text