ગઈકાલે વતનથી પરત ફર્યા અને આજે માં-બાપુ ગુમાવ્યા : નોંધારી બનેલી બાળકી આશા

- text


હળવદ દુર્ઘટનામાં માતા-પિતાનું મોત નિપજતા ચાર ભૂલકાંઓ નોંધારા બન્યા

હળવદ : હળવદમાં 12 શ્રમિકોને મોતના મુખમાં ધકેલનારી ગોઝારી દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. ત્યારે મૃતકોના પરિવારમાં પારાવાર શોકની લાગણી વ્યાપી ગઇ છે. એવામાં દુર્ઘટનામાં જીવિત બચી ગયેલી બાળકીએ સમગ્ર ઘટના વર્ણવવાની સાથે ગઈકાલે વતનથી પરત ફર્યા અને આજે માં-બાપુ ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

હળવદ જીઆઇડીસીમાં આજે મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મોત નિપજ્યા છે. આ ઘટનામાં માતા-પિતાની ગુમાવનાર બાળકી આશાએ જણાવ્યું હતું કે તેના પિતા ડાયાભાઈ અને માતા રાજીબેન ભરવાડ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. તેઓ સહપરિવાર પોતાના વતન કુંભારિયાથી હળવદ મજૂરીકામ માટે પરત ફર્યા હતા. આજે સવારે તેઓ છ વાગ્યે કારખાને આવ્યા હતા. બપોરે 12 વાગ્યા બાદ ધીરે-ધીરે પથ્થર કે ઈંટો પડી નહતી પરંતુ અચાનક જ દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ વખતે તે દોડી જતાં બચી ગઈ હતી પગમાં ઇજા પહોંચી હતી.

જ્યારે બાળકી આશાને મોરબી અપડેટની ટીમે અભ્યાસ બાબતે પૂછતાં, તેણે નિસાસા સાથે જણાવ્યું હતું કે તે ભણતી નથી, પણ કામ કરે છે. ઉલ્લેખનીય છે કે આશાના માતા-પિતા છેલ્લા બે મહિનાથી આ કારખાનામાં કામ કરતા હતા. તેમજ આશાને એક નાની બહેન ઊર્મિ અને બે હરિ અને લાલો છે. ત્યારે દુર્ઘટનામાં માતા-પિતાનું મોત નિપજતા ચાર ભૂલકાંઓ નોંધારા બન્યા છે.

- text

- text