માળીયા પંથકમાં નવા બનતા રોડની કામગીરીમાં ‘લોટ, પાણી ને લાકડા’

- text


ગ્રામ્ય વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી આડેધડ થતી હોવાની બુમરાણ

માળીયા (મી) : માળિયા મીયાણા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં બનતા નવા તથા રીફ્રેશ રોડની કામગીરી પર જાણે માર્ગ મકાન વિભાગ કે પીડબલયુડી વિભાગની કોઈ લગામ ન હોય તેમ આડેધડ નિતી નિયમો વગર રોડ બનાવવાની કામગીરી થતી હોવાની બુમરાણ સાંભળવા મળી રહી છે.

તાલુકાના ન્યુ નવલખી બોડકી, મોટા દહિસર નાનાભેલા, વવાણીયા વરસામેડી, ભાવપર મોટાભેલા, જશાપર મોટાભેલા, પીપળીયાથી પીપળીયા સ્ટેશન, ખીરઇ, વેણાસર ખાખરેચી, વાધરવા જેવા અનેક ગામોમાં નવા પાકા રોડ તથા અમુક ગામોમાં નવી કાચી સડકો ને ડામર રોડની કામગીરી ચાલુ છે. જેમાં વરસામેડી વવાણીયા, મોટા દહિસર નાનાભેલા, જશાપર મોટાભેલા, જેવા ગામોમાં શરુઆત માટી કામથી નબળી કામગીરી ચાલુ કરવામાં આવી હોય, જ્યારે ભાવપર મોટાભેલા, પીપળીયા સ્ટેશન, વેણાસર ખાખરેચી, જાજાસરથી જસાપર જેવા ગામોમાં ડામર રોડની નબળી કામગીરી થવા પામી છે.

- text

ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ફરીયાદ તો કરે છે પણ જ્યારે આવા રોડ બનતા હોય ત્યારે જવાબદાર અધિકારી કે તંત્ર આવી કામગીરી વખતે હાજર રહેતું નથી કે કોન્ટ્રાક્ટર પણ સ્થળ પર હાજર રહેતા હોતા નથી. સ્થાનિક લોકો દ્વારા કામગીરીનું એસ્ટીમેન્ટ માંગવામાં આવે તો ગલાતલા જવાબ આપીને મામલો શાંત કરી દેવામાં આવે છે. એસી ચેમ્બરમાં બેસી રહેતા અને સરકારી ગ્રાન્ટનો જોરશોરથી પ્રચાર કરતા જીલ્લા પંચાયત વિભાગના ચેરમેનો કે જવાબદાર નેતાઓ પણ આ વિશે આવા કામની વિઝીટ લેતાં ન હોય ત્યારે કોન્ટ્રાક્ટરોને મોકળું મેદાન મળી જવાનું ફલીત થતું હોય છે.

તંત્ર દ્વારા પણ ઓફિસોમાં રાબેતા મુજબ કામગીરીનો ઓર્ડર આપી દેવામાં આવે છે અને સીધુ નુકસાન ગ્રામ્ય વિસ્તારોના સ્થાનિક લોકોને થાય છે. આવનાર દિવસોમાં જવાબદાર તંત્ર દ્વારા તાલુકાના તમામ રોડની વિઝીટ લેવામાં આવે તો ઉપરોક્ત તમામ ગ્રામ્ય વિસ્તારોમાં નબળી કામગીરી થવાનું અને તાલુકામાં રોડકામમા મોટો ભ્રષ્ટાચાર થયાનું બહાર આવશે. તેવું સ્થાનિક રહેવાસીઓ જણાવી રહ્યા છે.

- text