મોરબી માટે મંજુર થયેલ સરકારી કોલેજનું વહેલી તકે ખાતમુહૂર્ત કરો : મોરબી ભાજપનું પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં

- text


બ્રાઉન ફિલ્ડ નહીં પરંતુ અગાઉ થયેલ જાહેરાત મુજબની જીએમઈઆરએસ સરકારી કોલેજ જ જોઈએ આરોગ્યમંત્રી સમક્ષ ભાજપ પ્રતિનિધિઓની માંગણી

મોરબી : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક જ ઝાટકે મોરબી માટે મંજુર થયેલી સરકારી મેડિકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવી મોરબીમાં બ્રાઉન ફિલ્ડ એટલે કે ખાનગી મેડિકલ કોલેજ શરૂ કરવા નિર્ણય લેતા ભાજપના જ પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રસ, આપ અને સેવાભાવી સંસ્થા દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવતા ડેમેજ કંટ્રોલ માટે આજે મોરબી શહેર-જિલ્લા ભાજપ સંગઠનનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર દોડી ગયું હતું અને રાજ્યમંત્રીને સાથે રાખી મોરબી માટે અગાઉ મંજુર થયેલ સરકારી કોલેજનો નિર્ણય યથાવત રાખી વહેલી તકે મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવા રજૂઆત કરી હતી.

વર્ષ 2020માં રાજ્યના તત્કાલીન આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે મોરબીમાં જીએમઈઆરએસ હેઠળ સરકારી કોલેજ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી જેને પગલે મોરબી જિલ્લા કલેકટર દ્વારા શકત શનાળા નજીક વિશાળ સરકારી જમીન ફાળવવાની સાથે સાથે એમસીઆઈના ઇન્સ્પેક્શન બાદ નવું બિલ્ડીંગ ન બંધાય ત્યાં સુધી મોરબીની ગિબ્સન મિડલ સ્કૂલમાં હંગામી મેડિકલ કોલેજ શરૂ કરવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી તેવા સમયે જ રાજ્ય સરકાર દ્વારા એક જ ઝાટકે મોરબીને સરકારી મેડિકલ કોલેજને બદલે ખાનગી મેડિકલ કોલેજ આપવામાં આવતા મોરબીના રાજકારણમાં ભારે ગરમાવો આવવાની સાથે મોરબીને અન્યાય થયાનું ખુદ શાસક ભાજપ પક્ષ પણ કબૂલી રહ્યું છે.

બીજી તરફ મોરબીને સરકારી મેડિકલ કોલેજ મામલે થયેલા અન્યાય મામલે ખુદ સતાધારી ભાજપના સંગઠન દ્વારા પણ મોરબી આવેલા મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળની સાથે મોરબી-માળીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ મેદાને આવી મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબીને સરકારી મેડિકલ કોલેજ આપવા માંગ કરી છે.

- text

વધુમાં મોરબીને સરકારી મેડિકલ કોલેજ મામલે અન્યાયનો મુદ્દો આગળ જતા ઘેરો બને તેમ હોય આજે ભારતીય જનતા પાર્ટીના શહેર-જિલ્લા સંગઠન પ્રમુખ, મહામંત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ આઇએમએના અગ્રણી તબીબો સહિતના 40થી 50 લોકોનું પ્રતિનિધિ મંડળ આજે રાજ્યમંત્રી મેરજાની આગેવાનીમાં આ મામલે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળ્યા હતા અને વહેલામાં વહેલી ટકે મોરબીને અગાઉ મંજુર થયા મુજબની સરકારી કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

- text