કોરોનાની ઘાત ટળતા હોળી-ધુળેટીની મનભરીને મોજ માણવા ભારે ઉત્સાહ

- text


મોરબીમાં ખજુરના ભાવમાં 10 અને પિચકારીના ભાવમાં 25 ટકાનો વધારો

રંગ બરસે… મટોડી અને કેમિકલયુક્ત ક્લરોને જાકારો, માત્ર ઓર્ગેનિક કલરોથી લોકો મનાવશે રંગોત્સવ

મોરબી : રંગ બરસે ભીગે… ચૂંનરવાલી રંગ બરસે…. કોરોના કાળના બે વર્ષ પછી આવતા તન-મનને તરબોળ કરતા અને લોકોના મનગમતા-પ્રિય તહેવાર રંગોત્સવને લઈને મોજીલા મોરબીવાસીઓ રોમાચિંત થઈ ગયા છે. હોળી-ધુળેટી પર્વને આ વખતે કોરોનાનું જરાય વિઘ્ન નડે એમ નથી. એટલે લોકો કોરોના કાળના પહેલાના વર્ષોની જેમ જ હોળી ધુળેટી મનભરીને મનાવી શકશે.આથી હોળી ધુળેટી પર્વને લઈને મોરબીનું કલરફુલ છે. ખજૂર, ધાણી, દાળિયા, પતાસા, હારડા, વિવિધ જાતની પિચકારી, રંગબેરંગી કલરોથી મોરબીનું માર્કેટ હાઉસફૂલ છે. કોરોનાનો જરાય ડર ન હોવાથી લોકોની સાથે વેપારીઓને હોળી-ધુળેટી પર્વને લઈને ભારે ઉત્સાહ છે.

મોરબીનું આ વખતે હોળી-ધુળેટીનું માર્કેટ કેવું છે ? તે અંગે ખજૂરના વેપારી વિપુલ ટોલિયા કહે છે કે, હોળી ધુળેટીને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે માર્કેટ હજુ મીડીયમ છે. ખાસ કરીને ખજૂરના ભાવમાં કિલોએ 10 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ હોલસેલમાં ખજૂર 60-65ના ભાવે મળતી હતી. અત્યારે ભાવ વધીને કિલોએ ખજૂરના ભાવ 75 થઈ ગયા છે અને રિટેઇલમાં ખજૂર 80 થી100 રૂપિયાની કિલો છે. જ્યારે ધાણીને તળવા માટેના તેલમાં ભાવો વધ્યા છે. પણ ભાવો વધાર્યા નથી. એટલે ધાણી, દાળિયા, પતાસા, ટોપરું, કલર, હારડામાં ખાસ કશો જ ભાવવધારો થયો નથી. આ વખતે માર્કેટ 50 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે. કોરોનાનો ભય નથી. પણ મંદી જેવું વાતાવરણ હોવાથી માણસો પાસે પૈસા ન હોય હમણાં છેલ્લા બે-ત્રણ દિવસથી જ ઘરાકી જોવા મળી છે.

- text

જ્યારે પિચકારી અને કલરો વેંચતા વેપારીએ દિપકભાઇ પોપટે જણાવ્યું હતું કે, હોળી-ધુળેટીમાં આ વખતે ચિત્ર ઘણું જ ઉજળું છે. આ વખતે પાછલા બે વર્ષની સરખામણીએ હોળી-ધુળેટી વેપારીઓને ફળીભૂત થવાની મોટી આશા છે. જો કે પિચકારીઓમાં આ વખતે કોઈ નવી વેરાયટી આવી નથી. જૂની વેરાયટીઓ છે એ જ બજારમાં ઉપલબ્ધ છે.જેમાં સ્પાઇડરમેન, ડોરીમેમ, ગનમેન, છોટાભીમ, એવેન્ડર્સ જેવી.પિચકારીઓ 10 થી માંડી ને 800 સુધીના ભાવે મળે છે અને આ વખતે પિચકારીમાં 25 ટકાનો ભાવવધારો થયો છે. જો કે હવે લોકોમાં કલર પ્રત્યે ઘણી જાગૃતિ આવી છે. મોટાભાગના લોકો ઓર્ગેનિક કલર જ માંગે છે. જૂની મટોડી કે કેમિકલ જેવા રંગ કોઈ માંગતું જ નથી. એટલે અગાઉ જેમ મોટોડી સહિતના બાચકા મળતા તે હવે બજારમાંથી ગાયબ થઈ ગયા છે. લોકલ 20-20 કિલોના જે બચકા ભરાતા તે હવે કોઈ હાથ જાલતું નથી. લોકો હવે ચામડીને નુકશાન કરતા હોય એવા કલરો પ્રત્યે જાગૃતિ આવી હોય વધુ પૈસા ખર્ચીને પણ સારો કલરની ડિમાન્ડ રહે છે. આ વખતે કલર અને પિચકારીનું 50 લાખનું માર્કેટ રહેવાની શક્યતા છે. આ વખતે ઘરાકી હવે સારી હોવાથી બે વર્ષથી બ્લોક થયેલી મૂડી નીકળી જશે.

- text